29/07/2026
Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column
ઇન્સ્ટન્ટ પ્રસિદ્ધિનું વ્યસન : યુવાવયની સૌથી ખતરનાક મહામારી
વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
**************************
જે સમાજમાં પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રતિભા નહીં, પરંતુ નગ્નતા, જોખમ અને મૂર્ખામી વેચાતી હોય… ત્યાં સંસ્કૃતિ નહીં, બજાર જીવતું હોય છે.
**************************
ચાણક્ય કહે છે - ''જે વ્યક્તિ પરિશ્રમથી ભાગે છે, તે અંતે અપમાન તરફ જ દોડે છે.'' આજની યુવા પેઢી સામે સૌથી મોટો પડકાર બેરોજગારી નથી, સ્પર્ધા નથી, કે ટેકનોલોજી પણ નથી. પણ સૌથી મોટો પડકાર છે - ''ઇન્સ્ટન્ટ પ્રસિદ્ધિનું વળગણ અને વ્યસન.''
એક સમય હતો જ્યારે યુવાનોનું સ્વપ્ન ડોક્ટર, એન્જિનિયર, વકીલ, શિક્ષક, વૈજ્ઞાનિક કે સરકારી અધિકારી બનવાનું હતું. તેઓ વર્ષો સુધી પુસ્તકોના ઢગલા વચ્ચે બેસીને મહેનત કરતા, નિષ્ફળતા સહન કરતા અને ધીમે ધીમે સફળતાની સીડી ચડતા. સમાજમાં માન-સન્માન મેળવવાનો માર્ગ જ્ઞાન, મહેનત અને ચારિત્ર્યમાંથી પસાર થતો હતો. તેમને ખબર હતી કે સફળતાનો રસ્તો લાંબો છે.
આજના યુવાનોને ઝડપથી પ્રસિદ્ધ થવું છે. ચારેય તરફ છવાઈ જવું છે. દુનિયા માત્ર તેમનીજ ચર્ચા કરે તેવું જોઈએ છે. તેના માટે તેઓ કોઈ પણ જાતના અખતરા કરવા કે જોખમો લેવા તૈયાર થઇ જાય છે. ગ્લેમરની દુનિયાની ઝાક ઝમાળથી અંજાઈ ગયેલી બાળ પેઢી તથા સેલીબ્રીટી પાછળ ઘેલી બનેલી યુવા પેઢી ઈન્સ્ટન્ટ કીર્તિ મેળવવા જાત જાતના નુસખા શોધી રહી છે. તેમને પ્રોફેશનલ નહિ પણ પાવરફુલ બનવું છે. તેમને પુરુષાર્થ વાદી નહિ પણ પ્રસિદ્ધી વાદી બનવું છે. મોટાભાગ ના તરુણો ફટાફટ ખ્યાતી મળે એવી કારકિર્દી પસંદ કરવામાં રાચે છે. તેઓ એવું માને છે કે પ્રસિદ્ધિ પાછળ પૈસો એની મેળે આવે છે . એટલે તેઓ એક કાંકરે બે પક્ષી મારવા માંગે છે. અત્યારે મોટાભાગના યુવાનો વિચારે છે કે જ્યારે માત્ર એક વાયરલ વીડિયો લાખો લોકો સુધી પહોંચી શકે, લાખો ફોલોઅર્સ મેળવી શકે અને લાખોની કમાણી કરાવી શકે, ત્યારે વર્ષો સુધી અભ્યાસ શા માટે કરવો? આ વિચારધારા જ આજની સૌથી મોટી માનસિક અને સામાજિક સમસ્યા બની રહી છે.
એટલે આજે… ઘણા યુવાનોને પાંચ વર્ષનું MBBS લાંબું લાગે છે. ત્રણ વર્ષનું LLB બોજ લાગે છે. દિવસ-રાતની મહેનત મૂર્ખામી લાગે છે. કારણ કે તેમના મોબાઇલમાં દરરોજ કોઈને કોઈ વ્યક્તિ માત્ર ૩૦ સેકન્ડના વીડિયોથી લાખો રૂપિયા કમાતી દેખાય છે. આજની યુવા પેઢીની નજર અત્યારે સોશીઅલ મીડિયા તરફ છે. તેમના માટે સોશિયલ મીડિયા : પ્રસિદ્ધિનો શોર્ટકટ છે.
તેઓ પરિણામ જુએ છે… સંઘર્ષ નથી જોતા. અને ત્યાંથી વિનાશ શરૂ થાય છે. આજનો યુવાન સફળ બનવા માંગતો નથી… તે અત્ર-તત્ર- સર્વત્ર દેખાવા માંગે છે. તેને જ્ઞાન નહીં… ઓળખ જોઈએ છે. તેને કૌશલ્ય નહીં… ફોલોઅર્સ જોઈએ છે. તેને ચારિત્ર્ય નહીં… વેરિફાઇડ બ્લૂ ટિક જોઈએ છે. તેને વાયરલ થવાની ભૂખ છે. આ ભૂખ એટલી ભયંકર છે કે હવે લોકો જીવતા નથી… પોતાના જીવનનું પ્રસારણ કરે છે. ''લાઇક'' હવે નશો બની ગઈ છે
દારૂ છોડાવી શકાય. સિગારેટ છોડાવી શકાય. પણ દર પાંચ મિનિટે મોબાઇલ ખોલીને પોતાનો વીડિયો કેટલા લોકોએ જોયો તે જોવાની લત… તે વધુ ખતરનાક બની રહી છે. આ વ્યસન માણસને ધીમે ધીમે પોતાની કિંમત ભૂલાવી દે છે.એક દિવસ એવો આવે છે કે તે પોતાના માતા-પિતા, મિત્રો અને અભ્યાસ કરતાં મોબાઇલના નોટિફિકેશનને વધુ મહત્વ આપે છે. ઉદાહરણ આપું છું.
૨૨વર્ષનો કોલેજ વિદ્યાર્થી. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ ૪૫ હજાર ફોલોઅર્સ. દર અઠવાડિયે જોખમી સ્ટંટની રીલ બનાવતો. મિત્રોએ ઘણી વખત કહ્યું - ''આ બંધ કર.'' પણ તેનો એક જ જવાબ હતો… ''રિસ્ક નહીં લો તો વાયરલ કેવી રીતે થવાશે?'' એક દિવસ ચાલતી ટ્રેનની બાજુમાં વીડિયો બનાવતી વખતે સંતુલન ગુમાવ્યું. એક ક્ષણ… અને આખું જીવન સમાપ્ત. બીજા દિવસે સમાચારપત્રમાં ફોટો હતો. ત્રણ દિવસ સોશિયલ મીડિયામાં RIP લખાયું. એક અઠવાડિયા પછી દુનિયા આગળ વધી ગઈ. પણ વૃદ્ધ માતા-પિતાની દુનિયા ત્યાં જ અટકી ગઈ. રીલ વાયરલ થઈ… પણ દીકરો પાછો આવ્યો નહીં. તેઓ ભયાનક હતાશાના શિકાર બન્યા. તેમણે મને પુછયું , સાહેબ તમારી દવાથી અમારો દીકરો પાછો આવે ખરો? મેં નિખાલસતાથી જણાવ્યું - દીકરો તો પાછો ન આવે પણ તમે માનસિક રીતે સ્વસ્થ થઇ યુવા પેઢીને આ સત્ય ઉદાહરણથી સોસીઅલ મીડિયાના વળગણમાંથી છોડાવી શકો.
આજે ઘણા યુવાનો પોતાની પ્રતિભાથી નહીં… પોતાના શરીરથી ઓળખાવા માંગે છે. અશ્લીલ ભાષા… અર્ધનગ્ન કપડાં… ડબલ મીનિંગ સંવાદ… ઉશ્કેરણીજનક હરકતો… અને પછી તેને નામ આપવામાં આવે છે - ''ર્ભહાીહા ભિીર્ચૌહ.ધ આ પ્રસિદ્ધિ નહિ પ્રદર્શન છે. ચાણક્ય આજે જીવતા હોત તો કદાચ કહેતા કે - ''જે પોતાની મર્યાદા વેચીને પ્રસિદ્ધ થાય, તે પ્રસિદ્ધ નથી… વેચાયેલો છે.''
બીજું સત્ય ઉદાહરણ છે ૨૪ વર્ષના એક યુવાનનું. તેનો એક કોમેડી વીડિયો વાયરલ થયો. એક જ મહિનામાં ત્રણ લાખ ફોલોઅર્સ મળી ગયા. દરેક પોસ્ટ પર હજારો કોમેન્ટ. પણ પછી થોડા મહિનામાં વ્યૂ ઘટવા લાગ્યા. ફોલોઅર્સ વધવાનું બંધ થયું. તે આખો દિવસ માત્ર આંકડા જોતો. રાત્રે ઊંઘ આવતી નહીં. દર પાંચ મિનિટે મોબાઇલ ચેક કરતો. પછી ચીડિયાપણું શરૂ થયું. પરિવાર સાથે ઝઘડા થવા લાગ્યા. કામમાં તેને રસ પડતો નહીં. ધીમે ધીમે ગંભીર હતાશા અનુભવવા લાગ્યો. પછી શંકા થવા લાગી કે, ''લોકો જાણી જોઈને મને ડાઉન કરી રહ્યા છે.'' ''મારા વિરોધીઓ મારા એકાઉન્ટ સામે કાવતરું કરે છે.'' કેટલાક દિવસોમાં તેની સ્થિતિ એટલી બગડી કે તેને મનોચિકિત્સા માટે હોસ્પીટલમાં દાખલ કરવો પડયો. કારણ તેનો વિડીઓ વાયરલ થયો… પણ પછી પ્રસિદ્ધિનો ગ્રાફ નીચો પાડવા લાગ્યો એટલે તે માનસિક રીતે તૂટી ગયો. તેનું નિદાન થયું Severe Depression with Brief Psychotic Symptoms.
પ્રશ્ન એ નથી કે સોશિયલ મીડિયાએ તેને બીમાર બનાવ્યો. પ્રશ્ન એ છે કે…તેણે પોતાની ઓળખ આખી સોશિયલ મીડિયામાં મૂકી દીધી હતી. યાદ રાખો દરેક વાયરલ વ્યક્તિ સફળ થતી નથી વાયરલ થવું એટલે સફળતા નથી. ઘણા લોકો એક વીડિયોથી જાણીતા બને છે… અને આખી જિંદગી એ જ એક વીડિયો સમજાવતા રહે છે.
એક માનોચિકિત્સક તરીકે આ મારી ચિંતાનો વિષય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મેં અનેક યુવાનોને જોયા છે -
લાઇક ઓછી મળતા રડતા.
કોમેન્ટથી ઘટવાથી આત્મવિશ્વાસ ગુમાવતા.
ફોલોઅર્સ ઘટતા હતાશ થતા.
દિવસના ૧૦-૧૨ કલાક ફોનમાં જીવતા.
ઊંઘ ગુમાવતા.
ચિંતા, ડિપ્રેશન, ઓબ્સેશન અને ગુસ્સાથી પીડાતા.
કેટલાક કિસ્સાઓમાં સતત ઊંઘનો અભાવ, ભારે તણાવ અને અતિશય ડિજિટલ ઉત્તેજનાના કારણે Brief Psychotic Episode પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ અચાનક અત્યંત ગુસ્સે થઈ જાય, શંકાશીલ બની જાય, હિંસક વર્તન કરે, અસંગત વાતો કરે અથવા વાસ્તવિકતા સાથેનો સંપર્ક થોડા સમય માટે ગુમાવી બેસે. આ ગંભીર માનસિક સ્થિતિ છે અને તેની સારવાર જરૂરી બને છે.
તેમનો રોગ મોબાઇલ નથી હોતો . તેમનો રોગ હોય છે - ''બીજાની નજરમાં જીવવાની આદત.''
એક સત્ય હંમેશા યાદ રાખો ''જે માણસ પોતાની કિંમત બીજાની તાળીઓથી નક્કી કરે છે, તેનું પતન નિશ્ચિત છે.''
તમારી ઓળખ… તમારા ફોલોઅર્સથી નક્કી ન કરો. તમારી કિંમત… તમારા વ્યૂથી નક્કી ન કરો. તમારું જીવન… એક રીલ કરતાં લાખ ગણું કિંમતી છે.
યાદ રાખજો… જોખમી રીલ તમને લાઇક આપી શકે છે… વાયરલ બનાવી શકે છે… પણ જો જીવન જ ચાલ્યું જાય… તો દુનિયા માત્ર થોડા દિવસ ઇૈંઁ લખશે.માતા-પિતાના આંસુ કોઈ ટ્રેન્ડમાં નથી આવતા. ક્ષણિક પ્રસિદ્ધિ પાછળ દોડતા પહેલાં… કાયમી પ્રતિા બનાવવાનો સંકલ્પ કરો.
અહી માતા-પિતાની પણ જવાબદારી છે ઘણા માતા-પિતા માને છે કે બાળક આખો દિવસ ઘરમાં છે એટલે સુરક્ષિત છે. પણ આજે જોખમ ઘરની બહાર નહીં, મોબાઇલની અંદર બેઠું છે. બાળક શું જુએ છે? કોને ફોલો કરે છે? કયા પ્રકારના કન્ટેન્ટથી પ્રભાવિત થાય છે? તેના માટે પ્રસિદ્ધિનો અર્થ શું છે? આ પ્રશ્નો પૂછવા હવે જરૂરી બની ગયા છે.
સાચી સફળતા શું છે? સાચી સફળતા એ એક વાયરલ વીડિયો નથી. સફળતા એ વર્ષો સુધી ટકી રહે એવી ઓળખ છે. એક ડોક્ટર દર્દી બચાવે છે. એક શિક્ષક પેઢી ઘડે છે. એક વૈજ્ઞાનિક નવી શોધ કરે છે. એક સારો લેખક સમાજને વિચારો આપે છે. આ લોકો કદાચ દરરોજ ટ્રેન્ડિંગમાં ન હોય, પરંતુ ઇતિહાસમાં જરૂર રહે છે. વાયરલ થવું સરળ છે. વિશ્વાસપાત્ર બનવું મુશ્કેલ છે. પ્રખ્યાત થવું સહેલું છે. માનનીય બનવું કઠિન છે.
યુવાનો ને મારે થોડા પ્રશ્નો પુછવા છે. - તમારી ઓળખ તમારા ફોલોઅર્સ છે કે તમારા ગુણ? તમારી કિંમત લાઇકથી નક્કી થાય છે કે તમારા વ્યક્તિત્વથી? જો આવતીકાલે તમારું એકાઉન્ટ બંધ થઈ જાય તો તમારી પાસે શું બચશે? તમારી ડિગ્રી, તમારી આવડત, તમારું ચારિત્ર્ય અને તમારો સ્વભાવ… કે માત્ર વાયરલ થયેલા થોડા વીડિયો? આ પ્રશ્નોનો જવાબ દરેક યુવાને પોતાને આપવો જોઈએ.
યુવાનીમાં સપના જોવાં ખૂબ જરૂરી છે. પરંતુ સપનાઓને શોર્ટકટથી નહીં, શ્રમથી સાકાર કરવાના હોય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પરંતુ તેના ગુલામ ન બનો. પ્રતિભા બતાવો, પરંતુ શરીર નહીં. સર્જન કરો, સસ્તું મનોરંજન નહીં. પ્રેરણા આપો, જોખમ નહીં. અને સૌથી મહત્વની વાત… યાદ રાખો - રીલથી લાઇક મળી શકે છે… ફોલોઅર્સ મળી શકે છે… થોડી કમાણી પણ થઈ શકે છે… પણ ગુમાવેલું જીવન… ગુમાવેલું માનસિક સ્વાસ્થ્ય… અને ગુમાવેલું આત્મસન્માન… પાછું ક્યારેય મળતું નથી.
ક્ષણિક પ્રસિદ્ધિ કરતાં કાયમી પ્રતિા વધારે મૂલ્યવાન છે. કારણ કે વાયરલ વીડિયો થોડા દિવસ જીવે છે, પરંતુ જ્ઞાન, ચારિત્ર્ય અને સારા કર્મોથી બનેલી ઓળખ પેઢીઓ સુધી જીવંત રહે છે.
ન્યુરોગ્રાફ :
ઇતિહાસમાં સ્થાન પ્રતિભાને મળે છે… પ્રદર્શનને નહીં.