Poojan Hospital

Poojan Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poojan Hospital, Hospital, Poojan hospital, 63 c vijaynagar , behind KVO , hospital Road, Bhuj.

પી.એસ.એ. ટેસ્ટ : પ્રોસ્ટેટ કેન્સરનાં વહેલાં નિદાન માટે આસાન રિપોર્ટઆરોગ્યટેક કેર - ડૉ. નેહલ વૈદ્યઆવા લેખ નિયમિત વાંચવા મ...
27/08/2026

પી.એસ.એ. ટેસ્ટ : પ્રોસ્ટેટ કેન્સરનાં વહેલાં નિદાન માટે આસાન રિપોર્ટ

આરોગ્ય
ટેક કેર - ડૉ. નેહલ વૈદ્ય

આવા લેખ નિયમિત વાંચવા માટે ચેનલ જોઈન કરો: https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર, બર્ડમેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા જાણીતા પક્ષીવિદ્ ડૉ. સલીમઅલી, ગુજરાતના અગ્રણી પ્રકૃતિવિદ્ લવકુમાર ખાચર અને હિન્દી સાહિત્યના લેખક અને વિવેચક દૂધનાથસિંહમાં શું સામ્ય છે એ તમે જાણો છો?

આ બધા જાણીતા લોકોનું મૃત્યુ પ્રોસ્ટેટનાં કેન્સરને કારણે થયું હતું.

*લ્યો, આ તો ખબર જ નહોતી. શું આ કેન્સર ખૂબ સામાન્ય છે?*

વિશ્વની વાત કરીએ, તો ફેફસાંના કેન્સર પછી તે પુરુષોમાં નંબર ટુ કિલર છે. એક વર્ષમાં લગભગ ૧૪થી ૧૫ લાખ પ્રોસ્ટેટ કેન્સરના નવા કેસો નોંધાય છે.

ભારતમાં આ કેન્સર ટોપનું પાંચમું કેન્સર છે. સમગ્ર ભારતમાં વર્ષે દહાડે લગભગ ૩૦થી ૪૦ હજાર નવા કેસ નોંધાય છે.

ગુજરાતમાં પુરુષોનું નંબર વન કિલર કેન્સર મોંઢા તેમજ ગળાનું કેન્સર છે. ફેફસાંનું કેન્સર પણ ખરું. પ્રોસ્ટેટના કેન્સરનો નંબર આઠથી ૧૦મો આવે છે.

વિકસિત દેશોમાં દર એક લાખ પુરુષે પ્રોસ્ટેટ કેન્સરના લગભગ ૬૦ કેસ જોવા મળે છે, જ્યારે ભારતમાં દર એક લાખ પુરુષે લગભગ પાંચથી ૧૦ કેસ જોવા મળે છે.

*આનો અર્થ એ કે, વિકસિત દેશો કરતાં આપણે ત્યાં આ કેન્સરનું પ્રમાણ લગભગ દસ ગણું ઓછું છે. આ તો આપણા માટે ખુશીના સમાચાર છે. સાચું ને?*

પ્રાથમિક રીતે ઉપરના આંકડા આપણને ખૂબ સારા લાગી શકે છે, પણ હકીકત કંઈક અલગ જ છે. વિકસિત દેશોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધુ દેખાતું હોવાના બે મુખ્ય કારણ છે: એક ત્યાં પુરુષો લાંબુ જીવે છે આમ, તેમનો જીવનકાળ લાંબો હોવાથી તેમને આ કેન્સર થવાની શક્યતા વધે છે. બીજું વિકસિત દેશોમાં આ કેન્સરને ટાણાસર પકડવા માટે એક ખાસ રિપોર્ટ કરવામાં આવે છે.

આમ, ત્યાં શરૂઆતના તબક્કામાં જ આવા કેસ પકડાઈ જાય છે, જ્યારે ભારતમાં આવા કેસ કેન્સરના પાછલા સ્ટેજ માં પકડાય છે. આમ ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરના આંકડા ભલે સારા લાગે, પણ હકીકત કંઈક અલગ જ છે.

*ઓહો. અચ્છા ડૉક્ટર, શું આ કેન્સરનો કોઈ ઈલાજ નથી?*

ઈલાજ છે, પણ સ્ટેજ પ્રમાણે તેનું પરિણામ સરખું નથી હોતું.
જ્યારે કેન્સરની ગાંઠ નાનકડી હોય અને માત્ર પ્રોસ્ટેટ ગ્રંથિમાં જ હોય, ત્યારે તેને પહેલું સ્ટેજ કહેવાય છે. જો આ વખતે તે પકડાઈ જાય, તો ઓપરેશનથી તે મટી જાય છે.
જ્યારે ગાંઠ મોટી થાય, પણ ગ્રંથિની બહાર ન ફેલાય, ત્યારે બીજું સ્ટેજ કહેવાય છે. આ સ્ટેજમાં પણ સારવારથી અને ઓપરેશનથી કેન્સર મટી જાય છે.
જ્યારે કેન્સરની ગાંઠ ગ્રંથિની બહાર ફેલાવા લાગે, ત્યારે સ્ટેજ થ્રી કહેવાય છે. આ સ્ટેજ પર થઈને સઘન સારવાર કરાવવી પડે છે. મોટા ભાગના કેસમાં સર્જરી, રેડીએશન અને હોર્મોન્સ થેરાપીનો ઉપયોગ કરવો પડે છે. ત્રીજા સ્ટેજમાં પણ સારવારનું પરિણામ પ્રમાણમાં સારું મળે છે.
જ્યારે કેન્સર ગ્રંથિની બહાર ફેલાવા ઉપરાંત શરીરમાં બીજે પણ ફેલાઈ જાય, ત્યારે ચોથું સ્ટેજ કહેવાય છે. આ વખતે દર્દીને ઘણી બધી સારવાર લેવી પડે છે તેમ છતાં તેનું બચવું મુશ્કેલ બને છે.

*મતલબ કે બીજા બધાં કેન્સરની તેમ જો પ્રોસ્ટેટનું કેન્સર પણ વહેલું પકડી લેવામાં આવે, તો તેની સારવાર શક્ય બને છે. બરાબર ને?*

હા, તમે બરાબર સમજ્યા. પ્રોસ્ટેટ કેન્સરની એક વિશેષતા એ છે કે, તે ખૂબ ધીમું કેન્સર છે. બહુ ધીમે ધીમે આગળ વધે છે. આમ, તે શરૂઆતમાં જ પકડી લેવાય, તો તેની ખૂબ સારી રીતે સારવાર શક્ય બને છે.

*આ કેન્સરમાં થાય છે શું? ક્યારે તપાસ કરાવવી જોઈએ?*

પ્રોસ્ટેટ ગ્રંથિ માત્ર પુરુષોમાં હોય છે. પેશાબની કોથળીની નીચે જ તેની જગ્યા છે. આ ગ્રંથિની બરોબર વચમાંથી પેશાબની નળી પસાર થાય છે. જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો આવે કે ગાંઠ થાય, ત્યારે સ્વાભાવિક રીતે જ પેશાબની નળી પર દબાણ આવે છે. આમ, પેશાબ ઉતરવામાં તકલીફથી આવા રોગની શરૂઆત થાય છે.

સૌ પ્રથમ તો પેશાબની ધાર પાતળી થઈ જાય છે પેશાબની નળી પર ગાંઠનું દબાણ વધતું જાય તેમ તેમ લક્ષણોમાં વધારો થતો જાય છે.
પેશાબની નળી સાંકડી થવાને કારણે પેશાબ ઉતારવામાં તકલીફ થાય છે અને પેશાબ પૂરેપૂરો ખાલી થતો નથી. આ ઉપરાંત વારે-વારે પેશાબ કરવા જવું પડે છે. ડાયાબિટીસની માફક રાતે પણ વારે-વારે ઊઠવું પડે છે.

ડાયાબિટીસમાં પેશાબ વધુ બનતો હોવાને કારણે વારે-વારે જવું પડે છે, જ્યારે પ્રોસ્ટેટના રોગમાં પેશાબ બરાબર ખાલી ન થવાનાં કારણો આ લક્ષણ આવે છે.

*પણ ડૉક્ટર, અમારા એક સગાને કોઈ જ તકલીફ નહોતી. તેમની ઉંમર ૫૫ વર્ષની છે. ડૉક્ટર પાસે રૂટિન તપાસમાં ગયા એટલે ડૉક્ટરે અમુક રૂટિન રિપોર્ટ કરાવ્યા. તેમાં એક પ્રોસ્ટેટનો રિપોર્ટ પણ હતો. એ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આગળ રિપોર્ટસ કર્યા, તો પ્રોસ્ટેટનાં કેન્સરનું નિદાન થયું બોલો! તો શું કોઈ પણ લક્ષણ વગર પણ પ્રોસ્ટેટ કેન્સર હોઈ શકે?*

તમે બિલકુલ સાચી વાત કરી. આપણે આગળ જોઈ ગયા તેમ પ્રોસ્ટેટનું કેન્સર ખૂબ ધીમી ગતિએ આગળ વધતું કેન્સર છે. આમ શરૂઆતના ઘણા સમય સુધી તે ધીમે ધીમે વધ્યા કરે છે. કોઈ જ લક્ષણ આપતું નથી.

_આપણા માટે આ જ સારો મોકો બને છે. જો આ જ વખતે લોહીના રિપોર્ટથી એ પકડાઈ જાય, તો તે મટાડી શકાય છે._

*શું માત્ર લોહીના રિપોર્ટથી પ્રોસ્ટેટના કેન્સરનું નિદાન થઈ શકે છે? એવો તે વળી કયો રિપોર્ટ છે?*

હા. માત્ર લોહીના રિપોર્ટથી જ પ્રોસ્ટેટના કેન્સરનું નિદાન થઈ શકે છે. હા, એ પછી નિદાનને પાકું કરવા અને સ્ટેજ નક્કી કરવા માટે બીજા રિપોર્ટસ પણ કરાવવા પડે છે.

આ અદ્ભુત રિપોર્ટનું નામ છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન ટેસ્ટ એટલે કે ટૂંકમાં પી.એસ.એ. ટેસ્ટ.

તમને જાણીને નવાઈ લાગશે કે, સૌ પ્રથમ ૧૯૬૬માં મિત્સુવો હારા નામના ફોરેન્સિક વિજ્ઞાનીએ વીર્યમાં એક ખાસ પ્રોટીનની શોધ કરી, જેને નામ આપ્યું ‘ગામા-સેમિનો પ્રોટીન’. તે વખતે બળાત્કાર સાબિત કરવાના ફોરેન્સિક ટેસ્ટ માટે આ પ્રોટીનની હાજરી જોવામાં આવતી હતી. કેમ કે તેનાથી વીર્યની હાજરી સાબિત થતી હતી.

આ પછી ૧૯૭૧માં ડૉ. ટી. મિંગ અને તેમની ટીમે રોઝવેલ ઈન્સ્ટિટ્યુટ ન્યૂયોર્ક ખાતે આ ખાસ પ્રોટીન પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી જુદું પાડ્યું અને એટલે તેમણે તેનું નવું નામ પડ્યું : પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન. ૧૯૮૦માં આ જ ટીમે એવું સાબિત કર્યું કે, આ પ્રોટીનને લોહીમાં પણ તપાસી શકાય છે. એટલું જ નહીં, તેમણે એ પણ બતાવ્યું કે, જ્યારે દર્દીને પ્રોસ્ટેટનું કેન્સર હોય, ત્યારે લોહીમાં આ પ્રોટીનના પ્રમાણમાં નોંધપાત્ર ઉછાળો આવે છે.

૧૯૮૬માં યુએસ એફ ડી એ એ આ ટેસ્ટને પ્રોસ્ટેટ કેન્સર ઉથલો માર્યો છે કે નહીં એ તપાસવાના ટેસ્ટ તરીકે મંજૂરી આપી.

ડૉ. વિલિયમ કટાલોના અને તેમની ટીમે ૧૯૯૧માં સાબિત કર્યું કે, PSA ટેસ્ટ પ્રોસ્ટેટ કેન્સરની વહેલી તપાસ એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે એક વિશ્વાસનીય અને સરળ રક્ત પરીક્ષણ છે.

૧૯૯૪માં PSA ટેસ્ટને પ્રોસ્ટેટ કેન્સરનાં વહેલાં નિદાનના ટેસ્ટ તરીકે યુએસ એફ ડી એ એ મંજૂરી આપી.

તે ઘડી અને આજનો દિવસ. આ ટેસ્ટને કારણે દુનિયાભરમાં અને ખાસ તો વિકસિત દેશોમાં પ્રોસ્ટેટ કેન્સરનું વહેલું નિદાન શક્ય બન્યું અને લાખો લોકોના જીવ બચાવી શકાયા.

*તમે તો ગજબ ટેસ્ટની વાત કરી. હવે એ કહો કે, આ PSA ટેસ્ટ કોણે અને ક્યારે કરાવવો?*

૫૦ વર્ષની ઉંમરના કોઈ પણ પુરુષે આ ટેસ્ટ કરાવવો.

જેમના પરિવારમાં પિતા અથવા ભાઈને ૬૫ વર્ષની ઉંમર પહેલાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયું હોય તેવા પુરુષોએ ૪૫ વર્ષે આ ટેસ્ટ કરાવવો.

જો કુટુંબમાં એક કરતાં વધુ સગાને પ્રોસ્ટેટ કેન્સર થયું હોય, તો તેવા પુરુષોએ ૪૦ વર્ષે આ ટેસ્ટ કરાવવો.

આપણે આગળ વાત કરી એ પ્રમાણે જો પેશાબમાં તકલીફ થાય, તો ગમે તે ઉંમરે આ ટેસ્ટ કરાવવો.

*શું આ રિપોર્ટ એક જ વાર કરવો પડે છે?*

ના, આ રિપોર્ટ થયા બાદ સમયાંતરે પ્રથમ રિપોર્ટના આધારે બીજા રિપોર્ટ કરાવતા રહેવા પડે છે.

PSAનું રિઝલ્ટ અને તે મુજબ ફરીથી આ રિપોર્ટ ફરી કરાવવાનો ગાળો આ મુજબ છે.
૧. ૧થી ઓછું PSA ng/ml : દર એક કે બે વર્ષે
૨. ૧થી ૨.૫ PSA ng/ml : દર એક વર્ષે
૩. ૨.૫થી ૪.૦ PSA ng/ml : દર એક વર્ષે ટેસ્ટ, ઉપરાંત ડૉક્ટરની તપાસ
૪. ૪.૦ ng/mlથી વધુ : તરત યુરોલોજિસ્ટને બતાવવું.

*આ ટેસ્ટ ૪.૦થી વધુ મળે, તો શું કરવું પડે છે?*

આવા વખતે યુરોલોજિસ્ટ એટલે કે કિડની-પેશાબના સર્જન પાસે સલાહ લેવી પડે છે. તેઓ Free PSA, પ્રોસ્ટેટ એમઆરઆઈ અને બાયોપ્સી જેવા આગળના ટેસ્ટ કરાવી શકે છે. આવા ટેસ્ટ બાદ નિદાન પાકું થાય છે અને સ્ટેજ પ્રમાણે સારવાર કરવામાં આવે છે.

*શું માત્ર પ્રોસ્ટેટ કેન્સર હોય, ત્યારે જ PSAનું પ્રમાણ વધે છે? શું બીજી કોઈ પરિસ્થિતિમાં PSAનું પ્રમાણ ઊંચું મળી શકે છે?*

સરસ સવાલ. પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો કે ચેપ થાય, તો પણ PSAનું પ્રમાણ ઊંચું મળે છે. તેવી જ રીતે ઘણીવાર પ્રોસ્ટેટની સાઈઝ ઉંમર વધતાં કેન્સર ન હોય, તો પણ વધે છે. મેડિકલ ભાષામાં તેને બિનાઈન પ્રોસ્ટેટિક હાઈપર ટ્રોફી કહેવાય છે. આવા વખતે પણ PSAનું પ્રમાણ વધે છે.

*આ PSA રિપોર્ટ કરાવતાં પહેલાં શું કાળજી લેવી જોઈએ?*

સામાન્ય લોહીના રિપોર્ટની માફક આ રિપોર્ટ થાય છે. જો કે, લોહી આપતાં પહેલાં આટલી કાળજી રાખવી જરૂરી છે : લોહી આપવાના ૪૮ કલાક પહેલાંથી ભારે કસરત ન કરવી, સાઈકલ ન ચલાવવી, તેવી જ રીતે સંબંધ ન બાંધવો.

*સરસ ડૉક્ટર, PSA ટેસ્ટ ક્યારે, કોણે અને કેવી રીતે કરાવવો એ સંપૂર્ણપણે સમજાઈ ગયું. હવે એ કહો કે, શું આ ટેસ્ટ જીવનભર માટે સમયાંતરે કરાવતા જ રહેવો પડે છે?*

જો કોઈ સક્રિય લક્ષણો દેખાતાં ન હોય, તો ૭૫ વર્ષની ઉંમર બાદ નિયમિત PSA રિપોર્ટ કરાવવાનું જરૂરી રહેતું નથી. અગર લક્ષણો આવે, તો રિપોર્ટ કરાવવા સલાહ અપાય છે.

ટેક કેર : PSA ટેસ્ટ ખૂબ અગત્યનો ટેસ્ટ છે. ભારતમાં તેનું ચલણ ઓછું છે. આ વિશે વધુને વધુ લોકોને જાણ થવી જરૂરી છે.

==> ૫૦ વર્ષથી ઉપરના દરેક પુરુષને આ ટેસ્ટની માહિતી આપો.

જીવ બચાવવાની ખુશી મળશે !

🩺🩺🩺

ક્રેકડ નિપલ: સ્તન પાન નો છુપો દુશ્મન !ટેક કેર • ડો. નેહલ વૈદ્યઆવા જ લેખ નિયમિત વાંચવા માટે ચેનલ જોઈન કરો : https://whats...
23/08/2026

ક્રેકડ નિપલ: સ્તન પાન નો છુપો દુશ્મન !

ટેક કેર • ડો. નેહલ વૈદ્ય

આવા જ લેખ નિયમિત વાંચવા માટે ચેનલ જોઈન કરો : https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K

વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે અનેક જગ્યાએ તમને માતાના ધાવણના અનેક ફાયદાઓ વિશે જાણવા મળશે. પણ આજે આપણે માતાના ધાવણ ના છૂપા દુશ્મન એવા એક ખાસ રોગની વાત કરવાની છે. આ ચર્ચા એટલા માટે અગત્યની છે કે સામાન્ય રીતે માતાઓને આ રોગ વિશે માહિતી હોતી નથી. આ કારણે તેઓ બાળક ના ડોક્ટરને આ વિશે ફરીયાદ કરતી નથી. આથી માતા અને બાળક બંને ખૂબ હેરાન થાય છે. ધાવણ ના દુશ્મન એવા આ રોગનુ નામ છે: ક્રેક્ડ નિપલ્સ.

*અરે ડોક્ટર, આ રોગનું નામ તો પહેલી વાર સાંભળ્યું: "ક્રેક્ડ નિપલ્સ"! આ રોગમાં શું થાય છે?*

* આ રોગ ઘણો વ્યાપક છે પણ તેના વિશે યોગ્ય માહિતી લોકો સુધી પહોંચી નથી. એેટલે મોટા ભાગના લોકો અને માતાઓને આ રોગનુ નામ અજાણ્યુ લાગે છે.

* આ રોગ નુ નામ બતાવે છે તે મુજબ આ રોગમાં માતાની નિપલ્સ (ધાવણની ડીંટડી) પર 'ક્રેક' એટલે કે ચીરો પડી જાય છે. આવો ચીરો પડવાને કારણે જ્યારે બાળક ધાવણ લે ત્યારે માતાને અસહ્ય દુઃખાવો થાય છે.

*હા, અમારા એક ઓળખીતા ને આવી તકલીફ હતી. પણ શરમ માં તેમણે ડોક્ટરને વાત ન કરી. પછી તો શું, બાળક ખૂબ રડવા લાગ્યું. તેમણે જાતે જાતે ડોક્ટર ની સલાહ વગર જ દૂધની બોટલ ચાલુ કરી દીધી. થોડો વખત બધું ઠીક ચાલ્યું પણ પછી બાળકને ભયંકર તાવ આવ્યો અને ઝાડા થઈ ગયા. ઈમરજંસીમાં તેને બાળકના ડોક્ટર પાસે લઈ જવું પડ્યું. ડોક્ટરે દાખલ કરીને ભારે દવાઓ આપી ત્યારે બાળક બચ્યું! આવું કેમ થયું હશે?*

* ઉપર તમે ખરેખર આંખ ઉઘાડી નાંખે તેવો કિસ્સો કહ્યો છે. આ દુઃખદ ઘટના કેવી રીતે થઈ અને એ ન થાય તે માટે શું કરી શકાય તેની થોડી વિસ્તાર થી વાત કરીએ. ધ્યાનથી વાંચજો.

* કોઈ પણ માતાને જ્યારે નિપલ પર 'ક્રેક' પડે છે ત્યારે બાળકને ધવડાવતી વખતે અસહ્ય દુઃખાવો થાય છે. આ દુઃખાવો એટલો ખરાબ હોય છે કે તેના કારણે માતાનુ ધાવણ ઘટી જાય છે.

* એક તરફ બાળક ધાવણ લેવા નિપલ પર જોર લગાવે છે અને બીજી તરફ ખૂબ દુઃખાવો થાય છે અને દૂધ ઓછું આવે છે. આથી બાળકને યોગ્ય પ્રમાણમાં ધાવણ મળતું નથી. આથી બાળક ખૂબ રડે છે. તેનો પેશાબ ઓછો થઈ જાય છે અને તે યોગ્ય પ્રમાણમાં વજન પકડતું નથી.

* જ્યારે માતા અને કુટુંબી આ જુએ છે ત્યારે તેઓ આ તકલીફ ના ઉપાય સ્વરૂપે બોટલ માં ઉપરનું દૂધ આપવા લાગે છે. આ બોટલ ગમે એટલી સાફ કરો પણ તેમાં અનેક પ્રકારના જીવાણુઓ ચોંટી રહે છે. જ્યારે આવા જીવાણુ વાળુ દૂધ બાળક બોટલ વાટે પીવે છે ત્યારે તેને અનેક પ્રકારના ગંભીર રોગ થવાની શક્યતા ઉભી થાય છે.

* તમે જે કેસની વાત કરી તેમાં બોટલના જીવાણુઓને કારણે બાળકને આંતરડાની ગંભીર ચેપ થયો હશે તેમ લાગે છે. નાના બાળકમાં આવો ચેપ જીવલેણ બની શકે છે. તમારા ઓળખીતા ના નસીબ એટલા સારા કે સઘન સારવાર બાદ બાળક બચી ગયું!

*ઓહો, તમારી વાત બરાબર સમજાઈ. એ પણ સમજાયું કે જો માતાએ ધવડાવતી વખતે થતા દુખાવાની ફરિયાદ ડોક્ટરને તુરંત કરી હોત તો કદાચ એના બાળકને આટલું વેઠવું ન પડ્યું હોત, બરાબર ને?*

* હા, તમે બિલકુલ સાચી વાત કરી. દરેક માતાએ આ વાત ખાસ સમજવા જેવી છે: સ્તનપાનમાં કોઈપણ પ્રકારની તકલીફ કે મુશ્કેલી પડે તો તમારા બાળકના ડોક્ટરને એ વાત નિઃસંકોચ કહો.

યાદ રાખો કે તમારા બાળકને યોગ્ય ધાવણ મળે એ માટે તમારા બાળકના ડોક્ટર ખાસ સ્તન પાન નો વિષય ભણેલા છે. તેમને આવી અનેક તકલીફો અને તેના ઉકેલ નો અનુભવ પણ છે.

જો તમારા ઓળખીતાએ વગર સંકોચે પોતાની તકલીફની વાત તેમના બાળકના ડોક્ટર ને કરી હોત તો તેમની યોગ્ય સારવાર કરવામાં આવત અને બાળકને દૂધની બોટલ આપવી ન પડી હોત. આમ, બાળકને ગંભીર પ્રકારનો રોગ થવા પામ્યો ન હોત.

*પણ ડોક્ટર, આવી 'ક્રેક્ડ નિપલ્સ' થાય છે જ કેમ?*

* સરસ સવાલ. નિપલમાં ક્રેક થવાનુ મુખ્ય કારણ છે બાળકને અયોગ્ય રીતે ધાવણે લગાડવું.

જો બાળક યોગ્ય રીતે ધાવણે લાગે તો તે નિપલ પર બટકા ભરીને ત્યાં 'ક્રેક' કરતું નથી. સામાન્ય રીતે કોઈપણ માતા બાળકને ધવડાવતી વખતે એક હાથથી બાળકનું માથું પકડે છે અને બીજા હાથને પોતાના ધાવણ પર એવી રીતે મૂકે છે જેથી બાળકનું નાક ન દબાય. આ રીત સૌથી ભૂલ ભરેલી છે.

માતા પોતાની આંગળીઓ વડે બાળકનું નાક ન દબાય તે માટે કોશિશ કરે છે. આ કારણે બાળક માતાની નિપલ અને તેની આસપાસનો કાળો ભાગ પોતાના મોંમા લઈ શકતું નથી. બાળકના મોંમાં માત્ર નિપલ જ આવે છે. હવે, માતા ના ધાવણની કુદરતી રચના એવી છે કે માત્ર નિપલ દબાવવાથી તેમાંથી દૂધ આવતું નથી.

આમ, બાળક ખિજાય છે અને વધુ બટકાં ભરે છે. આ કારણે નિપલ પર ક્રેક પડી જાય છે.

*મતલબ કે ધવડાવતી વખતે નાક દબાવવા માટે વચ્ચે આંગળા ન નાખવા એમ?*

* હા, તમે બરાબર સમજ્યા. હવે બાળક લગાવવાની સાચી રીત ધ્યાનથી સમજી લો: બાળકને ખોળામાં લો. એક હાથ તેની પીઠ પર રાખો. બીજો હાથ તેના માથાં પાછળ રાખો.

બાળકને તમારા શરીરની એટલું નજીક લ્યો કે જેથી તેનું પેટ તમારા પેટને અડકી જાય. બાળકનું માથું તમારા ધાવણની એટલી નજીક લ્યો કે જેથી બાળકના નાકની ટોચ તમારા ધાવણને અડકી જાય. જ્યારે બાળક આટલું નજીક હશે ત્યારે મોંઢું ફાડીને ધાવણ મોંમા લેશે. બાળક એવી રીતે લાગશે કે જેથી માતાની નિપલની આસપાસનો કાળો ભાગ પણ તેના મોંમા જતો રહેશે. બાળકનું મોંઢું એકદમ ઉઘાડેલું હશે અને નીચેનો હોઠ બહાર તરફ વળી ગયેલો હશે. આ છે બાળકનું યોગ્ય રીતે ધાવણે લાગવું. હવે બાળક માતાને સરસ રીતે ધાવી શકશે.

*ઓકે. બાળકને ધાવણે લગાવવાની સાચી રીત સરસ રીતે સમજાઈ ગઈ. અચ્છા ડોક્ટર, શું અયોગ્ય રીતે લગાવવા સિવાય પણ બીજી કોઈ રીતે 'ક્રેક્ડ નિપલ' થઈ શકે?*

* હા. ક્યારેક જો માતા જોરથી વળગેલા બાળકને ઝાટકાથી ધાવણ છોડાવે તો ધાવણમાં ઈજા થઈ શકે છે. ક્યારેક જો ધાવણ ની ચામડી બહુ સૂકાઈ જાય તો પણ ત્યાં ક્રેક થઈ શકે છે.

* આ ઉપરાંત અમુક માતાઓ બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરતી હોય છે, આવા પંપને યોગ્ય રીતે ન વાપરવામાં આવે તો તેનાથી નિપલને ઈજા થઈ શકે છે.

* ક્યારેક બાળકના મોંમાં ફૂગનો ચેપ થયો હોય છે આ ચેપ માતાની નિપલને પણ લાગી શકે છે. આ કારણે માતાને નિપલમાં બળતરા થઈ શકે છે.

*'ક્રેક્ડ નિપલ્સ' ન થાય એ માટે શું કરવું જોઈએ?*

* સૌ પ્રથમ તો, સગર્ભાવસ્થાની શરૂઆત થાય એટલે બાળકના સ્વાગતની તૈયારી કરવી જોઈએ. આ માટે તમારા ગાયનેક ડોક્ટરને મળીને નિપલ તેમજ ધાવણની તપાસ કરાવવી જોઈએ.

તમારા ડોક્ટર નિપલ ના આકાર ની તપાસ કરશે તેમાં કોઈ તકલીફ હશે તો તેની સારવાર કરશે. તમને બાળકને યોગ્ય રીતે ધાવણ પર લગાવવાની રીત પણ શીખવાડશે. આ બધું કામ બાળકના આવ્યા પહેલાં જ થઈ જવું જોઈએ.

* બીજું , બાળક આવ્યા બાદ તેને યોગ્ય રીતે ધાવણે મૂકવું જોઈએ. નાક દબાવાની ચિંતા કર્યા વગર આગળ વાત કરી એ પ્રમાણે ધાવણે લેવું જોઈએ.

* ત્રીજું, સ્તન સાફ કરતી વખતે સાબુનો ઉપયોગ ન કરવો. સાબુથી સ્તન ની ચામડી સુકાઈ જાય છે. એટલે માત્ર નવશેકા પાણીથી સફાઇ કરવી.

* બાળક ધાવી લે એટલે બે-ત્રણ ટીપાં માતાનું દૂધ નિપલ પર લગાવી દો. તેને કુદરતી રીતે સુકાવા દો. માતાનુ દૂધ કુદરતી એન્ટીસેપ્ટીક અને મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે.

* બાળકનું ધાવણ પૂરું થાય એટલે તેના મોંમાં હળવેથી તમારી એક આંગળી નાંખો અને ધાવણ છોડાવો. ઝાટકાથી ધાવણ ન છોડાવો.

*ઓકે ડોક્ટર, આ ત્રાસદાયક તકલીફ ન થાય એ માટે શું કરવું તે બરાબર સમજાઈ ગયું. પણ એ કહો કે જો માતાને આવી તકલીફ થઈ ગઈ હોય તો તેણે શું કરવું?*

* સૌ પ્રથમ તો શરમ સંકોચ છોડીને પોતાના બાળકના ડોક્ટરને પોતાની મુશ્કેલી કહેવી. તમે તમારી મુશ્કેલી કહેશો એટલે ડોક્ટર તમને તેનો રસ્તો બતાવશે. તમારી તકલીફ કેટલી અને કેવી છે તે પ્રમાણે ડોક્ટર તમને મદદ કરશે.

* મોટા ભાગના ક્રેક્ડ નિપલ્સ ના કેસમાં ડોક્ટર ઇજા ગ્રસ્ત ધાવણને આરામ આપવાની સલાહ કરે છે. એટલે કે ઓછામાં ઓછા સાત દિવસ માટે બાળકને ઇજા વાળા ધાવણ બાજુ ધાવણ લેવાનુ બંધ કરવા કહે છે. દરમ્યાનમાં ક્રેક પર લગાવવાની ટ્યુબ લખી આપે છે.

આ સાત દિવસ માટે બાળકને જંતુરહિત કરેલા વાટકી ચમચી માં માતાનુ દૂધ નીચોવી ને પીવડાવવાની સલાહ કરે છે. અલબત તમે સાજા ધાવણ પર બાળકને ધવરાવવાનું ચાલુ રાખી શકો છો.

મોટા ભાગના આવા કેસમાં દુખાવાને કારણે માતાનુ દૂધ ઓછું થઈ ગયું હોય છે. આ કારણે ડોક્ટર માતાના દૂધ ઉપરાંત યોગ્ય પાવડરનું દૂધ આપવાની સલાહ કરે છે.

એક અગત્યની વાત યાદ રાખવી કે જો ઉપરનું દૂધ બોટલથી આપવામાં આવે તો એવું બાળક બોટલ લેવા ને કારણે બાદ માં માતાને ધાવવાનુ ભૂલી જાય છે. જ્યારે વાટકી ચમચી થી દૂધ લેતું બાળક આ મુશ્કેલીમાં પડતું નથી.

* સાત દિવસ બાદ જ્યારે ક્રેકમાં રૂઝ આવી જાય છે ત્યારે બાળકને ફરીથી માતાના ધાવણે મૂકવાની સલાહ આપવામાં આવે છે. હવે જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ડોક્ટરની સલાહ પ્રમાણે કરવામાં આવે છે. આથી બાળક યોગ્ય રીતે નિપલ પકડી શકે છે અને માતાને ફરી પાછી ક્રેક્ડ નિપલ્સ થવાની શક્યતા રહેતી નથી.

*ખૂબ સરસ ડોક્ટર..! શું આવા કિસ્સામાં ક્યારેય આનાથી વધારે સારવારની જરૂર પડી શકે?*

* ખૂબ અગત્યનો સવાલ. મોટા ભાગના કેસમાં સામાન્ય ક્રેક્ડ નિપલ્સ જ હોય છે. એટલે ૭ દિવસના ધાવણના આરામમાં તે મટી જતી હોય છે. જોકે અમુક કેસમાં ક્રેક ઉપરાંત પણ તકલીફ હોય છે. આવે વખતે વધુ સારવારની જરૂર પડી શકે છે.

* જો નિપલ્સ માંથી રસી કે લોહી આવતું હોય, ખૂબ વધારે દુઃખાવો થતો હોય, માતાને તાવ આવતો હોય, તો તરત ડોક્ટર પાસે જઈને વાત કરવી. ક્યારેક માતાના ધાવણમાં રસી નું ગૂમડું (એબસેસ) થઈ શકે છે. આવે વખતે ધાવણમાં છેકો મારીને રસી કાઢવી પડી શકે છે.

*અમારા પડોશીનું બાળક ૩૦ મિનિટ સુધી ધાવણ લે છે તો પણ તેનું વજન વધતું નથી. ખૂબ રડે પણ છે. શું તેની માતાને ક્રેક્ડ નિપલ્સ હોઈ શકે?*

* લો, તમે તો ડોક્ટર થઈ ગયા! હા, તે માતાને ક્રેક્ડ નિપલ્સ ની તકલીફ હોઈ શકે. બાળક લાંબા સમય સુધી ધાવણ લીધા કરતું હોય તોય છોડતું ન તો તેની ભૂખ મટી ન હોય. વળી, અપૂરતા દૂધને કારણે તે રડે પણ ખૂબ અને યોગ્ય વજન ન પકડે. આમ, કોઈ બાળકમાં તમે આવી તકલીફો જુઓ તો તે માતાને બાળકના ડોક્ટર પાસે પોતાની તકલીફ કહેવા જરૂરથી સલાહ કરો.

🌸🌸🌸

*આવી ગઈ છે ગંભીર ડેન્ગ્યુ થી બચાવતી 'ક્યુડેન્ગા' રસી!** ડો. નેહલ વૈદ્યનવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંત આવા જ લેખ સરળ ગુજર...
02/08/2026

*આવી ગઈ છે ગંભીર ડેન્ગ્યુ થી બચાવતી 'ક્યુડેન્ગા' રસી!*

* ડો. નેહલ વૈદ્ય
નવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંત

આવા જ લેખ સરળ ગુજરાતી માં નિયમિત વાંચવા માટે ચેનલ જોઈન કરો: https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K

મેડિકલ ક્ષેત્રે નવા નવા સંશોધનો થતા જ રહે છે અને તેનો લાભ માનવજાતને મળતો રહે છે. છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુ તાવ સામેની રસી આવી રહી છે તેવી વાત ચાલુ હતી પણ હવે તે ભારતમાં આવી ચૂકી છે.

*શું ડેન્ગ્યુ તાવ વિરોધી આ રસી ભારતમાં મળતી થઈ ગઈ છે?*

ના, મળતી થઈ નથી ગઈ પણ હવે થોડાક મહિનામાં મળવા લાગશે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં ડેન્ગ્યુ સામેની પ્રથમ રસી 'ક્યુડેન્ગા' ને સત્તાવાર રીતે મંજૂરી મળી ગઈ છે.

આ રસી જાપાનની ટાકેડા (TAKEDA) બાયોફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે. ભારતમાં તેનું ઉત્પાદન બાયોલોજીકલ ઈ (BIOLOGICAL E) નામની ભારતીય કંપની કરશે.

*સરસ લ્યો, હવે તો કોઈને ડેન્ગ્યુ જ નહિ થાય. રસી લાગી ગઈ એટલે ડેન્ગ્યુ ગાયબ! બરાબરને?*

ના, એવું નથી, મથાળું ફરીથી વાંચી લ્યો! આ રસી મુકાવ્યા બાદ લગભગ ૩૦% કેસ માં સીધો સાદો ડેન્ગ્યુ તાવ થઈ શકે છે પણ રસી મુક્યા બાદ ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ ૯૦% કેસમાં થતો નથી.

*બરાબર, આ તો કોરોનાની રસી જેવું થયું. અમને બરાબર યાદ છે કે કોરોનાની રસી મુકાવ્યા બાદ કોરોના થવાનું બંધ ન હોતું થયું પણ તેના કેસ સિરિયસ થવાના બંધ થયા હતા. તો શું ક્યુડેન્ગા પણ એવી જ રસી છે?*

હા, તમે સરસ સરખામણી કરી. કોરોના રસીની માફક આ ડેન્ગ્યુ રસીમાં ડેન્ગ્યુના કેસ સર્વત્ર બંધ નથી થતા પણ ગંભીર પ્રકારના ડેન્ગ્યુ બંધ થાય છે.

સૌથી મોટી વાત એ છે કે રસી મુકાવ્યા બાદ ડેન્ગ્યુ થાય તો પણ મોટા ભાગના કેસમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી.

*પણ આ ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ એટલે શું?*

આપણે સૌ જાણીએ છીએ કે એડીસ પ્રકારના મચ્છરની માદા કરડવાથી ડેન્ગ્યુ વાયરસ આપણા શરીરમાં પ્રવેશી જાય છે. મોટા ભાગના કેસમાં ભારે તાવ આવે છે, શરીર તૂટે છે અને લગભગ ૫ થી ૭ દિવસમાં કેસ સુધરી જાય છે.

ક્યારેક એવું બને છે કે વાયરસના હુમલા બાદ આપણા રોગપ્રતિકારક શક્તિમાં ખામી ઊભી થાય છે. આ કારણે તે આપણી જ રુધિર કેશિકાઓ પર હુમલો કરે છે અને તેમાં બારીક છિદ્રો કરી નાખે છે.

આ કારણે શરીરનું પાણી ચામડી નીચે જમા થાય છે જેથી સોજા ચડે છે અને બીપી ઘટે છે. સાથે સાથે ત્રાક કણ એટલે કે પ્લેટલેટ્સ પણ આ છિદ્રો વાટે લોહીની કેશિકાઓ માંથી બહાર ફેંકાઈ અને નષ્ટ થઈ જાય છે.

આમ ત્રાક કણની સંખ્યા પણ ઘટવા લાગે છે.
જ્યારે બીપી ઘટવા લાગે ત્યારે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ થાય છે, આવા કેસને બચાવવો મુશ્કેલ હોય છે.

તેવી જ રીતે ત્રાક કણ ઓછા થવાના કારણે શરીરમાંથી લોહી નીકળવા લાગે છે. આ પરિસ્થિતિને મેડિકલ ભાષામાં ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કહેવાય છે.

આમ, ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ અને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર એ બંને ગંભીર પ્રકારના ડેન્ગ્યુ છે.

*ગંભીર પ્રકારના ડેન્ગ્યુ કોને કહેવાય તે સમજાયું. હવે ડોક્ટર, એ કહો કે આ ક્યુડેન્ગા કામ કેવી રીતે કરે છે?*

ક્યુડેન્ગામાં જીવંત વાયરસ હોય છે, જોકે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા તેમની મારક ક્ષમતા શૂન્ય કરી નાખેલી હોય છે.

ડેન્ગ્યુ ચાર પ્રકારના ડેન્ગ્યુ વાયરસ થી થાય છે. ક્યુડેન્ગામાં આ ચારેય વાયરસ નાખેલા છે. આમ, આ રસી ડેન્ગ્યુના ચારેય પ્રકારમાં રક્ષણ આપે છે.
કોરોના રસીની માફક આ રસી પણ ઈન્જેક્શનથી આપવામાં આવે છે.

આ રસી આપણા શરીરમાં ઘૂસે એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ દુશ્મનને ઓળખી લે છે અને તેની સામે લડવા માટે તૈયાર થઈ જાય છે. હવે જ્યારે મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો કુદરતી વાયરસ આપણા શરીરમાં ઘૂસે છે ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ તે જંગલી વાયરસનો ત્યાં જ ખાતમો બોલાવી દે છે!

*આ તો ખૂબ સરસ રીતે કામ કરે છે. અચ્છા, ડોક્ટર, આ રસી કોને મુકી શકાય? કોને ન મુકી શકાય?*

આ રસી ૪ વયથી ઉપરના બાળકોથી માંડીને ૬૦ વર્ષ સુધીના લોકોને આપી શકાય છે.

આ રસીમાં જીવતા વાયરસ છે એટલે આવી રસી જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેને મૂકી શકાતી નથી. દાખલા તરીકે એઇડ્સ જેવા રોગના દર્દીઓ, કેન્સર માટે કીમોથેરાપી અથવા તો રેડિએશન થેરાપી લઈ રહેલા દર્દીઓ.

આ ઉપરાંત એવા લોકો કે જેમને સ્ટીરોઈડ્સ પ્રકારની દવાઓ ચાલુ હોય, ગર્ભવતી સ્ત્રીઓ કે સગર્ભા હોય અથવા તો ધાત્રી માતા હોય તેમને રસી મૂકી શકાતી નથી.

*આ રસીની શું કોઈ સાઈડ ઈફેક્ટ છે?*

ક્યુડેન્ગા રસીથી કોઈ ગંભીર પ્રકારની આડ અસર થતી નથી. અમુક લોકોને ઈન્જેક્શનની જગ્યાએ દુખાવો થઈ શકે છે. તાવ આવવો, માથું દુખવું કે શરીર તૂટવું પણ થઈ શકે છે પણ આવી અસરો ૨-૩ દિવસમાં મટી જાય છે.

એ બરાબર યાદ રાખજો કે આવી અસરો બધાને નહીં પણ રસી મુકાવનાર માંથી અમુકને જ જોવા મળે છે.
ક્યારેક એવું બની શકે કે કોઈ વ્યક્તિને આ રસી સામે એલર્જિક રિએક્શન આવી જાય. આવા કેસ લાખોમાં એકાદ હોય છે.

આમ, આડ અસરોનો ડર રાખ્યા વગર આ રસી મુકાવી શકાય છે.

*શું આ રસી પણ સરકાર કોરોનાની રસીની માફક મફત મૂકી આપશે?*

શરૂઆતના તબક્કામાં સરકારની આવી કોઈ યોજના નથી. પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રસીને ભારતના રસીકરણ કાર્યક્રમમાં લઈ લેવાની ભલામણ કરી છે પણ અત્યાર સુધી તો એવો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, પ્લાનિંગ ચાલુ છે.

આ રસી અત્યારે તો માત્ર ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં મળતી થશે. એટલે કે રૂપિયા ખર્ચીને લેવાની થશે. ભારતના જે રાજ્યોમાં ડેન્ગ્યુ વધુ કેસ થાય છે તેવા રાજ્યોમાં સરકાર કદાચ રાહત દરે આ રસી ઉપલબ્ધ કરાવે એવું બની શકે.

રસી ની કિંમત વિશે આટલું જાણી લો : અત્યારે મળતી જાણકારી મુજબ આ રસીના એક ડોઝના પ્રાઈવેટ હોસ્પિટલ કે દવાખાનામાં રૂ. ૩૦૦૦ થી ૬૦૦૦ જેટલા પડી શકે છે. આમ, રસી સસ્તી નથી.

*તો શું આ રસી ક્યારેય સસ્તી જ નહીં થાય?*

અત્યારે તો જાપાનની ટાકેડા કંપની આ રસીના ડોઝ મોકલાવી રહી છે. સમજૂતી પ્રમાણે ભારતની 'બાયોલોજીકલ ઈ' નામની કંપની ત્યારબાદ ભારતમાં જ આ રસીનું ઉત્પાદન કરશે.

એક વર્ષમાં કરોડો ડોઝ બને તે મુજબ અત્યારે ગોઠવણ થઈ રહી છે. જ્યારે આટલા બધા ડોઝ ભારતમાં જ બનવા લાગશે ત્યારે ચોક્કસથી આ રસીના ભાવ ઓછા થશે.

*ક્યુડેન્ગા રસી ના કેટલા ડોઝ લેવા પડે છે?*

આ રસીના ૦.૫ મિલીના બે ડોઝ ત્રણ મહિના ના અંતરે લેવાના હોય છે. આવા બે ડોઝ લીધા બાદ તમને ચારેય પ્રકારના ડેન્ગ્યુ વાયરસના ગંભીર પ્રકારના ડેન્ગ્યુ સામે રક્ષણ મળી શકે છે.

*આ રક્ષણ કેટલા વર્ષ માટે મળી રહે છે?*

આ રસી નવી છે એટલે હજી તો આ રસીનો લાંબા ગાળાનો ડેટા મળ્યો નથી. અત્યાર સુધીનો ડેટા અને અભ્યાસો એવું કહે છે કે રસી મુકાવવાના પાંચ વર્ષ સુધી રસી ગંભીર પ્રકારના ડેન્ગ્યુ સામે રક્ષણ આપી શકે છે.

ફેઝ ફોર ટ્રાયલ્સ એટલે કે રસી માર્કેટમાં મૂકી દીધા બાદના અભ્યાસો આધારે આવું કહી શકાય છે.

જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ નવો ડેટા મળશે જેનાથી એવી ખબર પડશે કે આ રસી વધુ કેટલા વર્ષ સુધી આપણને ડેન્ગ્યુ સામે રક્ષણ આપી શકે છે.

વખત જતાં એ પણ ખબર પડશે કે બુસ્ટર ડોઝની જરૂર પડશે કે કેમ.

*આપણા ગુજરાત રાજ્યમાં પણ ડેન્ગ્યુનો કહેર જોવા મળે છે. શું ગુજરાતમાં આ રસી સરકાર દ્વારા ઓછા ભાવે કે મફત મૂકી આપવામાં આવશે?*

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત જેવા મચ્છર પ્રભાવિત ક્ષેત્રો માટે એક ખાસ કાર્યક્રમ ચાલે છે.

આ કાર્યક્રમનું નામ છે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ.

આ પ્રોગ્રામ અંતર્ગત આ રસીને સાંકળી લેવાની વાત ચાલી રહી છે. આ બાબતે ગુજરાત સરકાર શું વિચારી રહી છે તેની માહિતી નથી.

*ક્યુડેન્ગા એ સંપૂર્ણ જાપાનની રસી છે. શું ડેન્ગ્યુ માટે ભારતમાં કોઈ રસી બની રહી છે?*

સરસ સવાલ. જેમ કોરોના વખતે અલગ અલગ કંપનીઓ અને સંસ્થાઓ રસી બનાવવા રિસર્ચ કરી રહી હતી તેવી જ રીતે ડેન્ગ્યુ વિરોધી રસી બનાવવા માટે અલગ અલગ કંપનીઓ અને સંસ્થાઓ રિસર્ચ કરી રહી છે.

તમને જાણીને આનંદ થશે કે આઈ સી એમ આર અને ભારત બાયોટેક તેમજ પેનાસિયા બાયોટેક ભેગા મળીને ડેન્ગ્યુની સ્વદેશી રસી વિકસાવી રહ્યા છે.

વધુ સારા સમાચાર એ છે કે તેમનું સંશોધન લગભગ આખરી તબક્કામાં પહોંચવા આવ્યું છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તેમણે બનાવેલી ટેટ્રાવેલેન્ટ એટલે કે ચાર વાયરસ ધરાવતી રસીના આધારે ફેઝ થ્રી ટ્રાયલ્સ ચાલી રહી છે.

*મતલબ કે આ રસી પણ બહુ ટૂંકા ગાળામાં માર્કેટિંગ માટે પાસ થઈ જશે બરાબર ને?*

હા. એટલું જ નહીં પણ સ્વદેશી હોવાને કારણે આ રસી ક્યુડેન્ગા કરતાં ખૂબ સસ્તી હોવાની સંભાવના છે. એવું બની શકે કે ભારત કે ગુજરાત સરકાર આ સ્વદેશી રસી આવી ગયા બાદ તેના જથ્થાબંધ ડોઝ ખરીદે અને તે સરકારી વ્યવસ્થા દ્વારા લોકો સુધી મફત કે રાહત ભાવે પહોંચાડે.

*આ રસી આવી જાય એટલે બસ. એ પછી મચ્છરથી ડરવાની કોઈ જરૂર નથી બરાબર ને?*

ના રે ના. મચ્છરથી ડરવાનું અને તેને દૂર રાખવા માટે જે કરવું પડે તે બધું જ કરવાનું ચાલુ રાખજો! કેમ કે રસી મુકાવ્યા બાદ પણ ડેન્ગ્યુ તો થઈ જ શકે છે અને યાદ રાખજો કે આ રસી મુક્યા બાદ ૧૦૦ કેસમાંથી ૯૦ કેસને ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ નથી થતો પણ ૧૦૦માંથી ૧૦ કેસમાં રસી મૂકી હોવા છતાં પણ ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ થઈ શકે છે!

તમને મચ્છર કરડે અને તમને ડેન્ગ્યુ થાય તો તમે ૧૦૦ કેસમાંથી ૯૦ વાળા ગ્રુપમાં જશો કે ૧૦ વાળા ગ્રુપમાં તે પહેલેથી નક્કી નથી.

નસીબ ખરાબ હશે તો રસી લીધી હોવા છતાં પણ ૧૦ વાળા ગંભીર પ્રકારના ડેન્ગ્યુ વાળા ગ્રુપમાં તમે સપડાઈ શકો છો! આમ, મચ્છરથી ડરવાનું ચાલુ રાખજો.

વળી, ડેન્ગ્યુ ઉપરાંત મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગ પણ મચ્છર કરડવાથી થાય છે એટલે મચ્છરને ભગાડવાની બધી જ રીતો ચાલુ રાખજો!

*વાંધો નહીં સાહેબ, ડેન્ગ્યુ થાય તો પપૈયાના પાંદડા નો રસ તો છે ને!? છેલ્લે એ પાઈ દઈશું!*

સારું થયું તમે આ વાત યાદ કરી. સાચું પૂછો તો પપૈયાના પાંદડાના રસની ગોળી કે તેનો રસ ત્રાક કણ વધારવામાં મદદ કરે છે તે પુરાવા આજ દિવસ સુધી મળ્યા નથી.

જે પુરાવા રજૂ કરવામાં આવે છે તે તો મેડિકલ વિજ્ઞાનની નજરે એકદમ ખૂબ નબળા છે.

વળી આવો રસ પીવાથી તેના બેસ્વાદ હોવાના કારણે ઉલટી ઉબકા થઈ શકે છે જે ડેન્ગ્યુના કેસ માટે ડીહાઇડ્રેશન વધારવાનું કામ કરી અને પડતા પર પાટુ મારી શકે છે અને ક્યારેક તેની અંદરના તત્વોને કારણે લીવરમાં નુકસાન થવાની શક્યતા પણ છે.

*એ બરાબર યાદ રાખજો કે સામાન્ય ડેન્ગ્યુની દવા માત્ર બે જ છે:*

(૧) ઓ.આર.એસ. : તે શરીરને ડીહાઈડ્રેશનમાં જતા બચાવે છે અને શરીર ના ક્ષાર તત્વો સાચી માત્રામાં જાળવી રાખવા મદદ કરે છે

(૨) પેરાસીટામોલ : તે તાવ અને કળતર જેવા લક્ષણોમાં રાહત આપે છે.

*ટેક કેર : રસી ભલે મળવા લાગે અને તમે મુકાવી દ્યો પણ મચ્છરથી બચાવ ચાલુ રાખજો. ઓકે?*

🩺🩺🩺

*આજે ખોલીએ ‘બેબી કિટ’ની પોલ!*ટેક કેર - ડૉ. નેહલ વૈદ્ય,નવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંત આવા જ લેખ નિયમિત રીતે વાંચવા માટે ...
29/07/2026

*આજે ખોલીએ ‘બેબી કિટ’ની પોલ!*

ટેક કેર - ડૉ. નેહલ વૈદ્ય,
નવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંત

આવા જ લેખ નિયમિત રીતે વાંચવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો : https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K

ધારો કે તમે એક આધુનિક-મોડર્ન-વ્યક્તિ છો. તમારા કુટુંબી કે મિત્રને ત્યાં બાળજન્મનો અવસર આવે છે હવે તમારે તેને કોઈ સારામાં સારી અને ઉપયોગી ભેટ આપવી છે.

વિચારો શું આપશો ? - તો એ છે બજારમાં મળતી સરસ મજાની પેક કરેલી અને મોંઘી ‘બેબી કિટ’...! ખરું ને?

*એક મોડર્ન વ્યક્તિ આવી ઉપયોગી વસ્તુ જ ભેટ આપવાનું વિચારી શકે બરાબરને ?*

* હા, મેં એ ‘બેબી કિટ’ તરફ જ ઈશારો કરેલો. આવી મોંઘી બેબી કિટ અત્યારે ભેટમાં આપવાનો શિરસ્તો વધતો ગયો છે. આવી કિટ કેટલી ઉપયોગી છે તેની આપણે આગળ ચર્ચા કરીશું.

_બાકી ‘હું મોડર્ન છું એટલે આવી ઉપયોગી ભેટ પસંદ કરું છું’. આ ભૂત તમારા મનમાં ટીવી મીડિયાની જાહેરાતોએ ભર્યું છે._

તમને નવાઈ લાગશે કે આવી ‘કિટ’ બનાવતી અલગ અલગ કંપનીઓ માત્ર જાહેરાત પાછળ પોતાની કુલ કમાણીનો ૧૫થી ૨૦ ટકા હિસ્સો વાપરે છે.

*મતલબ, આ ‘મોડર્ન’ હોવાનો અને બેબી કિટ જેવી ઉપયોગી વસ્તુ ખરીદવાનો વિચાર જ ખોટો છે એમ ?*

* બિલકુલ! જાહેરાતના જોરે આવામાં વિચારો આરોપિત કરીને કંપનીઓ અબજોનો ધંધો કરે છે. ૨૦૨૬ના અંદાજ મુજબ બેબી કિટનું ભારતનું માર્કેટ આશરે એક લાખથી એક લાખ ૧૫ હજાર કરોડ રૂપિયા જેટલું થઈ ગયું છે અને લગભગ ૧૫ ટકાના દરે વધી રહ્યું છે.

એટલે જ તો બેબી કિટની વહેતી ગંગામાં નાની મોટી બીજી કેટલીય કંપનીઓએ ઝંપલાવ્યું છે.

*તો શું આ બેબી કિટમાં આવતી બધી જ વસ્તુઓ બિનજરૂરી છે એમ ?*

* આવી કિટમાં આવતી મોટા ભાગની વસ્તુઓ બિનજરૂરી છે. અમુક હાનિકારક તો અમુક થોડી જરૂરી કહી શકાય તેવી છે.

*તમે તો કમાલ વાત કરો છો ડૉક્ટર! અમે તો એમ માનતા હતા કે આ બેબી કિટમાં મળતી વસ્તુઓ બાળક માટે ખૂબ જરૂરી વસ્તુઓ છે. ચાલો સૌથી પહેલા એ કહો કે, બાળકનો પાઉડર કેટલો જરૂરી છે?*

* જરૂર હોવાની વાત જવા દો, પાઉડર બાળકને નુકસાન કરે છે.

કેમિકલ, હર્બલ કે કોઈ પણ પ્રકારનો પાઉડર બાળક માટે સારો નથી.

તે પાઉડરની રજ હવામાં ઊડે છે. બાળકના ફેફસાંમાં ઊતરે છે અને ત્યાં નુકસાન કરે છે. જો આ રજનું પ્રમાણ ખૂબ વધારે હોય તો બાળકને ન્યુમોનિયા થાય છે.

આવો ન્યુમોનિયા સારો કરવો ખૂબ અઘરો હોય છે. મારા ભણતર સમયે જામનગરના બાળરોગ વિભાગમાં આવા બાળકના દુઃખદ અવસાન મેં જોયા છે. ભુજમાં પણ આવા ગંભીર બાળકની સારવાર કરી છે.

આવા પાઉડરની રજ ચામડીના છિદ્રોને બંધ કરી દે છે જેથી પણ નુકસાન થાય છે.

*મતલબ પાઉડર પર સંપૂર્ણ ચોકડી ! બરાબર ?*

* હા, ઇન્ડિયન અને અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ બંને કહે છે કે, નવજાત શિશુને પાઉડર ન લગાવવો.

*અને બાળકનો ખાસ સાબુ ?*

* અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ કહે છે કે, ખરેખર તો બાળકને રોજ નવડાવવાની જ જરૂર નથી. અઠવાડિયામાં બે કે ત્રણ વાર નવડાવો તો ચાલે.

આપણે ત્યાં ગરમી વધુ હોતા રોજ નવડાવવાનો રિવાજ છે. નવડાવવા માટે ચણા અથવા મગનો લોટ વાપરી શકાય છે.

_નવડાવવા માટે કોઈ જો શ્રેષ્ઠ વસ્તુ હોય તો તે છે નવશેકું પાણી._

બાળક કોઈ કારણસર ચીકણું થતું હોય તો જ નવશેકા પાણી સાથે ચણા કે મગનો લોટ વાપરજો.

બાળકની ચામડીનો પીએચ ૫.૫ જેટલો હોય છે. લોટ વાપરવાથી આ પીએચને નુકસાન થતું નથી. રોજ બરોજ તો માત્ર નવશેકા પાણીથી જ નવડાવવાનું બહેતર છે.

*તમારા કહેવા મુજબ બાળકને નવડાવવા માટે નવશેકું પાણી જ ઉત્તમ છે પણ બાર કે સાબુ વાપરવો હોય તો શું કોઈ પણ સાબુ વાપરી શકાય?*

* પહેલા તો ફરીથી જાણી લ્યો કે સાબુ વાપરવાની કોઈ જ જરૂર નથી. હવે આગળ વાત.

આપણે જે સાબુ વાપરીએ છીએ તેનો પીએચ ખૂબ આલ્કલાઈન હોય છે. આવા સાબુ બાળકની ચામડીને નુકસાન કરે છે. આ કારણે અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ કહે છે કે બાળક માટે એવો સાબુ વાપરવો જેનો પીએચ બેલેન્સ્ડ હોય. એટલે કે ન એસિડિક કે ન આલ્કલાઈન હોય આ ઉપરાંત આવો સાબુ સિન્થેટિક ડિટરજન્ટથી મુક્ત હોવો જોઈએ.

* આ ઉપરાંત એ પણ જાણી લ્યો કે સાબુ જેટલો સુગંધી એટલે બાળક માટે ખરાબ. સાબુને સુગંધી બનાવવા માટે તેમાં જાત જાતના કેમિકલ્સ ઉમેરવા પડે છે. આવા કેમિકલ્સથી બાળકને એલર્જી અને ચામડીના રોગ એટમિક ડર્મેટાઈટીસ થઈ શકે છે.

* આ બધી પંચાતમાં અને ખર્ચમાંથી મુક્ત થવું હોય તો બાળકની ચામડી માટે શ્રેષ્ઠ સાબુનું નામ જાણી લ્યો : નવશેકું પાણી...!

*કિટમાં વાળ સાફ કરવા માટે ખાસ શેમ્પૂ આવે છે તેના વિશે શું કહેશો ?*

* વાળ સાફ કરવાની જરૂર તો જ પડે જો તેમાં ચામડીમાંથી આવતા કુદરતી તેલનું પ્રમાણ વધી ગયું હોય. એટલે અઠવાડિયામાં એકથી બે વાર.

આ માટે ચણાનો કે મગનો લોટ શ્રેષ્ઠ છે પણ જો શેમ્પૂ વાપરવું જ હોય તો બેલેન્સ્ડ પીએચવાળું અને આંખોમાં બળતરા ન કરે તેવું હોવું જોઈએ આ ઉપરાંત તેમાં સલ્ફેટ અને પેરાબેન નામના કેમિકલ પણ ન હોવા જ જોઈએ.

*દરેક કિટમાં ‘બેબી ઓઈલ’ તરીકે ઓળખાતું ખાસ સુગંધી માલિશ નું તેલ તો હોય જ છે. આ તેલનો ઉપયોગ શું છે ને ?*

* ના એ બાસ યાદ રાખો કે, કોઈપણ રંગ કે સુગંધવાળી વસ્તુ બાળક માટે ખરાબ છે એ પછી સાબુ હોય, શેમ્પૂ હોય કે તેલ હોય. બીજા શબ્દોમાં, બજારૂ કિટમાં આવતા સુગંધી બેબી ઓઈલ બાળક માટે સારા નથી!

બાળકની ચામડી માટે જો કોઈ શ્રેષ્ઠ માલિશનું તેલ હોય તો તે છે કોલ્ડ પ્રેસ કરેલું નાળિયેરનું તેલ. આવું તેલ તમને નાની ઓઈલ મિલ પાસેથી મળી જશે એ ન મળે તો બજારૂ ખાવા યોગ્ય નાળિયેરનું તેલ વાપરી શકો છો.

*ડૉક્ટર, અમારી સોસાયટીમાં એક કંપની તરફથી બાળકને કેવી રીતે માલિશ કરવી તેનો સેમિનાર રાખવામાં આવ્યો છે. અમારી સોસાયટીના બધા લોકો ત્યાં જવાના છીએ, ત્યાં શું શીખવા મળશે ?*

-માર્કેટિંગ !

હા, ત્યાં તમને કેવી રીતે વગર જોઈતી પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકાય તેની રીત જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે બાળકને માલિશ કરવાની ન તો કોઈ ખાસ રીત છે કે એ માટેન તો કોઈ ખાસ તાલીમની જરૂર છે!

કંપનીવાળા આ પ્રકારના સેમિનાર આયોજિત કરીને પોતાનું બેબી ઓઈલ માર્કેટ કરી જાય છે.

અમેરિકન અને ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ કહે છે કે નવજાત બાળક માટે માલિશ ખૂબ લાભદાયી છે તે કરવી જોઈએ પણ તેમાં કોઈ ખાસ રીતે ઘસવા ભૂંસવાની અસર નથી, પ્રેમની અસર છે.

તમારી માલિશથી બાળકના મગજને એવો સંદેશો પણ છે કે, કોઈ એને પ્રેમ કરી રહ્યું છે. આ કારણે જ તેના વિકાસમાં ફાયદો થાય છે.

આમ, બાળકને માલિશ એની પાસે જ કરાવવી જેને બાળક સાથે સ્વાભાવિક પ્રેમ હોય - મા, માસી, ફોઈ, નાની અને દાદી પાસ - બાકી બધા ફેઈલ..!

કેમકે આ બધાને બાળક સાથે બાયોલોજીકલ એટલે કે લોહીનો સંબંધ છે. એટલે તેમને બાળક માટે કુદરતી જ પ્રેમ છે.

આમ, માલિશના સેમિનાર ભરવાની કોઈ જરૂર નથી તમારા બાળકને પ્રેમ ભરી માલિશ તમને આવડે એવી રીતે કરો. વિજ્ઞાન કહે છે કે, પરિણામ શ્રેષ્ઠ મળશે.

*અચ્છા ડૉક્ટર, હવે એ કહો કે કિટમાં આવતા બેબી ક્રીમ અને બેબી લોશન કેટલા ઉપયોગી છે?*
-સૂકા વાતાવરણમાં અને એસીવાળા વાતાવરણમાં ચામડી સૂકી થઈ જવાનો ભય રહે છે. બાળકની ચામડી આપણી ચામડી કરતાં ઘણી પાતળી હોય છે એવી તે ઝડપથી સૂકાઈ જાય છે એવું ન થાય એ માટે સુગંધી રંગ રહિત બેબી ક્રીમ કે લોશન વાપરી શકાય છે.

જોકે આવું જ કામ ઘરની તાજી મલાઈ અથવા ઘી કરી શકે છે. તમારા હાથ સાબુ થી બરાબર ધોઈ લ્યો. હવે હાથની હથેળી પર મલાઈ અથવા ઘીના બે ત્રણ ટીપાં લઈને ઘસી લ્યો. એ પછી તેને બાળકના ગાલ, કોણી અને ગોઠણ પર લગાવી શકો છો.

*બેબી વાઇપ્સ આવે છે તે શું કામના છે?*

* સલ્ફેટ અને આલ્કોહોલ યુક્ત વાઇપ્સ એટલે કે બગડેલા ભાગને લૂછીને સાફ કરવાના ખાસ કાગળ વાપરવાથી બાળકની ત્વચા પર કોન્ટેક્ટ ડર્મેટાઈટિસ થઈ શકે છે.

આવા વાઇપ્સ વાપરવાને બદલે બગડેલો ભાગ સાફ કરવા માટે નવશેકું પાણી અને સુતરાઉ કાપડ વાપરવા ઉત્તમ છે.

હા, ક્યારેક મુસાફરીમાં વ્યવસ્થા ન હોય તો વાઇપ્સ વાપરી શકો છો.

બાળક બગડે એને તેને તરત જ સાફ કરી લેવું જરૂરી છે. જો તેમ ન કરવામાં આવે તો બાળકના નીચેના ભાગે બળતરા થાય છે અને ત્યાં આસપાસની ચામડી લાલ થઈ જાય છે.

મેડિકલ ભાષામાં તેને ડાયપર રેશ કહેવાય છે.

તમારા વાઇપ્સમાં જો સલ્ફેટ અને આલ્કોહોલ ન હોય તો તે પ્રમાણમાં સારા કહી શકાય.

*ડાયપર રેશની ખાસ ક્રીમ આવે છે તેનો શું ઉપયોગ છે ?*

* બાળકની નીચેની ચામડી જ્યારે મળના સંપર્કમાં લાંબા સમય સુધી રહે ત્યારે ત્યાં લાલાશ આવે છે. હવે જ્યારે બાળક મળ કરે ત્યારે તેને ખૂબ બળે છે. આમ તે ખૂબ રડે છે. આવું ન થાય તે માટે બાળક બગડે કે તરત તેને સાફ કરી લેવું જરૂરી છે.

બાળકને ડાયપર પહેરાવવાથી તે રાતે બગડે ત્યારે જાણી શકાતું નથી આમ, ડાયપરને કારણે મળ ચામડીના સંપર્કમાં લાંબા સમય સુધી રહે છે.

એટલે ડાયપર રેશથી બચવું હોય તો ડાયપર વાપરવાના બદલે સાદું સુતરાઉ કપડું જ વાપરવું જ જેથી બાળક બગડશે એટલે તરત જાગીને તમને જગાડશે.

બાળકને ત્યારે જ નવશેકા પાણી અને સુતરાઉ કાપડથી છલક મારીને સાફ કરી લેવું. આવું કરવામાં તમારી ઊંઘ બગડશે પણ બાળકને ડાયપર રેશ નહીં થાય. હવે જો ડાયપર રેશ ન થાય તો ડાયપર રેશની ક્રીમનું તમારે કોઈ કામ પડશો નહીં.

ન હોય વાંસ, ન વાગે વાંસળી !

હા, જો ડાયપર રેશ થયો હોય તો આવી ક્રીમ કામ લાગી શકે છે. જો કે તેને વાપરતા પહેલાં બાળકના ડૉક્ટરને બતાવી દેવી.

*આજકાલ ઘણી બધી એવાં કિસ્સામાં ‘નેચરલ’, ‘ઓર્ગેનિક’ કે ‘હર્બલ’ કહેવાતી વસ્તુઓ આવે છે. શું આવી ચીજો સુરક્ષિત હોય છે ?*

* ઉપરના શબ્દોનો માર્કો ધરાવતી વસ્તુ માટે સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે તેની આડ અસર નહીં થાય.

જો કે હકીકત એ નથી. આવી પ્રોડક્ટથી પણ બાળકની ચામડીને નુકસાન થઈ શકે. વળી, આવી પ્રોડક્ટનું કોઈ જ વૈજ્ઞાનિક પરીક્ષણ થતું હોતું નથી.

એટલે આવી કોઈ પણ પ્રોડક્ટ બાળકની ચામડી માટે વાપરતા પહેલાં આટલી ખાતરી કરો : કંપની ભલે ગમે તેટલી મોટી હોય, મલ્ટિનેશનલ હોય પણ બાળક માટેની જે પ્રોડક્ટ હોય તેના લેબલ પર સુગંધી વિનાની (Fragrance free), રંગ વિનાની (Dye free) અને ઓછી એલર્જી કરનારી (Hypo allergic) તે પ્રોડક્ટ છે તેમ લખ્યું હોવું જોઈએ.

આવી પ્રોડક્ટ વાપરતા પહેલાં આ ‘પેચ ટેસ્ટ’ ખાસ કરો: પહેલી વખત વાપરો ત્યારે આવી પ્રોડક્ટને એકસાથે આખા શરીરે ન લગાડો, એના બદલે હાથ કે પગના નાના ભાગ (પેચ) માં લગાવીને ૨૪ કલાક રાહ જુઓ. જો કંઈ ન થાય તો તે વાપરી શકો છો.
🩺🩺🩺

Address

Poojan Hospital, 63 C Vijaynagar , Behind KVO , Hospital Road
Bhuj
370001

Telephone

02832229797

Website

Alerts

Be the first to know and let us send you an email when Poojan Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category