10/07/2026
મોદીજી નેહરુ કરતાં વધુ વિદ્વાન છે તેવો દેખાડો કર્યા કરે છે!
વડાપ્રધાન મોદીએ જાકાર્તા- ઈન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન જુલાઈ 2026ના રોજ, Indian diaspora-ભારતીય સમુદાયને સંબોધન કરતી વખતે ‘8’ નું ગણિત સમજાવ્યું હતું.
મોદીજીએ 2+6=8” (રિપબ્લિક ડે - 26 જાન્યુઆરી) અને 1+7=8 (પ્રમુખ પ્રબોવોનો જન્મદિવસ - 17મી)નું ગણિત સમજાવીને બંને દેશો વચ્ચેના સંબંધોને હાઈલાઈટ કર્યા હતા. પ્રેક્ષકોએ પણ હર્ષભેર પ્રતિસાદ આપ્યો હતો.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ તેમના સંબોધનમાં '8' નંબરને પોતાના માટે ભાગ્યશાળી નંબર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ સાતમા રાષ્ટ્રપતિ બનવા માંગતા હતા પરંતુ બની શક્યા નહીં.પરંતુ ભાગ્યની બીજી યોજના હતી, તેથી તેઓ આઠમા રાષ્ટ્રપતિ બન્યા…એટલે મોદીજીએ આ અંકશાસ્ત્ર ઘડી કાઢ્યું હતું!
શું આનો કોઈ અર્થ છે? શું કોઈ તર્ક છે? લોકો વિચારી રહ્યા છે કે આ જોડકાણાં જેવા ભાષણ તેમના માટે કોણ લખી રહ્યું છે? દેશમાં મોંઘવારી/ બેરોજગારી અસહ્ય બની છે, ધારાસભ્યો-સંસદસભ્યો ખરીદાઈ રહ્યા છે, રામમંદિર પણ સલામત નથી, ત્યારે આવા જોડકણાં રચતા શરમ ન આવે?
જો કે મોદીજીએ તેમના ભક્તોની વિચારશીલતા WhatsApp યુનિવર્સિટી અને ગોદી મીડિયા મારફતે છીનવી લીધી છે. તેથી આવા જોડકણાંથી ભક્તો રાજીરાજી થઈ જાય છે. ગમે તે હોય, મોદીના અંધભક્તો/સમર્થકો તેમને 56 ઇંચનો આંકડો બનાવવા માટે દરેક વસ્તુનો સરવાળો અને ગુણાકાર કરે છે. હવે 8નો આંકડો બનાવ્યો છે. કંઈ પણ મેચ કરો, ફક્ત ખાતરી કરો કે સંખ્યાઓ મેચ થાય. કાલે, મોદીજી કહેશે, ‘મારી બંડીમાં 8 બટન છે, અને ઇન્ડોનેશિયાની ફ્લાઇટ પણ 8 વાગ્યે ઉપડી હતી, તેથી આપણો સંબંધ ભૂતકાળના જીવનનો છે!’ આ અંકશાસ્ત્ર પછી, નાસા પણ સંશોધન કરશે કે ભારતના વડા પ્રધાન પાસે કયા પ્રકારનું કેલ્ક્યુલેટર છે જે ઇતિહાસ અને જન્મદિવસોને જોડીને સીધા આંતરરાષ્ટ્રીય સંબંધો બનાવે છે!
હવે મોદીજી ભારત માટે જવાબદારી બની ગયા છે. તેઓ બિનજરૂરી વિદેશ પ્રવાસો કરવા લાગ્યા છે, તેમની ખિખિખિ અને પરાણે ભેટવાની વિચિત્ર હરકતોના કારણે, દેશની પ્રતિષ્ઠા વારંવાર ખરડાઈ રહી છે, અને આખી દુનિયા આશ્ચર્ય પામી રહી છે કે ભારતના વડા પ્રધાન આંતરરાષ્ટ્રીય મંચ પર આવા નકામા અને વાહિયાત નિવેદનો કેમ આપી રહ્યા છે? મોદીજી પોતાને વિદ્વાન માનતા થઈ ગયા છે. દરેક ક્ષણે પોતે નેહરુ કરતાં વધુ વિદ્વાન છે તેવો દેખાડો કર્યા કરે છે!
Send a message to learn more