ડૉ શિરીષ વાડદોરિયા

ડૉ શિરીષ વાડદોરિયા Star hospital team aims to give people of surat the very best in healthcare utilizing the latest tec

❤️ "ઈશ્વરને શોધતા પહેલાં... ઈશ્વરના સંતાનોની સેવા કરજો." Episode 139🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍ઓપીડી ચાલુ...
01/07/2026

❤️ "ઈશ્વરને શોધતા પહેલાં... ઈશ્વરના સંતાનોની સેવા કરજો." Episode 139

🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍

ઓપીડી ચાલુ હતી.

એટલામાં ઇમરજન્સીમાંથી ફોન આવ્યો...
"સર... એક દર્દીની હાલત ખૂબ ગંભીર છે."

હું તરત જ ICUમાં પહોંચ્યો.
52 વર્ષના એક મજૂર.બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું...
શ્વાસ ફૂલી રહ્યો હતો...

ચેપ આખા શરીરમાં ફેલાઈ ગયો હતો.
તાત્કાલિક ICUમાં દાખલ કરવા, ઇન્જેક્શન, ટેસ્ટ અને સારવાર શરૂ કરવી જરૂરી હતી.

બહાર પત્ની, બે દીકરા અને વૃદ્ધ માતા ઉભા હતા.

મેં કહ્યું..."સમય બહુ ઓછો છે... તરત સારવાર શરૂ કરવી પડશે."

પત્નીએ તરત જ પૂછ્યું..."ડૉક્ટર સાહેબ... કેટલા પૈસા લાગશે?"

એ સવાલમાં ગરીબી કરતાં વધારે લાચારી હતી.
થોડીવાર પછી દર્દીના મોટા દીકરાએ ધીમેથી કહ્યું...

"ડૉક્ટર સાહેબ...મારા પપ્પા ખૂબ ધાર્મિક માણસ છે.

દર વર્ષે મંદિરોમાં દાન કરે...
યાત્રા કરે...
ભંડારા કરે...

ગામમાં કોઈ મંદિર બને તો સૌથી પહેલાં દાન આપે.

પણ આજે...ઘરમાં ICUની સારવાર માટે પૂરતા પૈસા નથી."

એ બોલતો હતો...અને તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા.
હું થોડો સમય શાંત રહ્યો.

પછી મેં માત્ર એક જ વાત કહી...

"તમારા પપ્પાની સારવાર શરૂ કરો...ભગવાન પછી જોઈ લેશે."

પાંચ દિવસ સુધી ICUમાં સારવાર ચાલી.
મોત સામેની લડાઈ આખી ટીમે લડી.

ધીરે ધીરે દર્દીની તબિયત સુધરવા લાગી.

ડિસ્ચાર્જના દિવસે દર્દીએ મારો હાથ પકડીને કહ્યું...

"ડૉક્ટર સાહેબ...આજે મારી શ્રદ્ધા બદલાઈ નથી...
પણ મારી સમજ જરૂર બદલાઈ ગઈ છે."

"આજ સુધી હું ભગવાનને શોધવા મંદિર જતો હતો...આજે ભગવાન મને ICUમાં મળ્યા."

મેં પૂછ્યું..."એટલે?"

તેમણે કહ્યું..."જે નર્સ આખી રાત જાગી...
જે વોર્ડબોયે મને પોતાના માણસની જેમ ઊંચક્યો...
જે ડૉક્ટરોએ મને બચાવવા માટે દરેક પ્રયત્ન કર્યો...
એ બધામાં જ મને ભગવાન દેખાયા."

પછી તેમણે એવી વાત કહી...જે આજે પણ મારા મનમાં ગુંજે છે...

"હવે હું દાન જરૂર કરીશ...
પણ પહેલા કોઈ ગરીબ દર્દીની સારવાર માટે...
પછી કોઈ ગરીબ વિદ્યાર્થીના ભણતર માટે...

અને પછી મારી શ્રદ્ધા મુજબ મંદિર માટે."

"તાજેતરમાં અયોધ્યાના શ્રીરામ મંદિરના દાનના વ્યવહાર અંગે ગેરરીતિના આરોપો સામે આવ્યા છે અને મામલો તપાસ હેઠળ છે. આ ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે—શું દાન કરતી વખતે માત્ર શ્રદ્ધા પૂરતી છે, કે પારદર્શિતા અને જવાબદારી પણ એટલી જ જરૂરી છે?"

મિત્રો...મંદિરમાં દાન કરવું કે ન કરવું...

એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય છે.
પરંતુ એક સવાલ આપણે બધા પોતાને જરૂર પૂછીએ...
જો ભગવાન આજે તમારી સામે ઉભા રહીને કહે...

"મારા નામે સોનાનો દરવાજો બનાવશો...
કે મારા જ કોઈ સંતાનને ICUમાં સારવાર અપાવશો?"

તો તમારો જવાબ શું હશે?ભગવાનને ભવ્ય મંદિરો જરૂર ગમતા હશે...

પણ મને વિશ્વાસ છે...
ભગવાનને બચેલો એક જીવ...
ભણેલો એક ગરીબ વિદ્યાર્થી...
અને ભૂખ્યાના પેટમાં પડેલી એક રોટલી...
એ કદાચ સૌથી વધુ પ્રિય હશે.

કારણ કે...ધર્મ માણસને ભગવાન સુધી પહોંચાડે છે...
પણ માનવસેવા ભગવાનને માણસ સુધી લઈ આવે છે.

ડૉ. શિરીષ વાડદોરિયા
સ્ટાર હોસ્પિટલ-કામરેજ, સુરત.

#માનવસેવા

❤️ તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યસેવકોને ડૉક્ટર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ. Episode 138🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંક...
01/07/2026

❤️ તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યસેવકોને ડૉક્ટર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ. Episode 138

🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍

સફેદ કોટની કિંમત...

સવારે ઓપીડી શરૂ થઈ હતી. દર્દીઓની લાંબી લાઇન હતી.

એ દરમિયાન લગભગ દસ વર્ષનો એક છોકરો પોતાના પપ્પા સાથે અંદર આવ્યો. તપાસ કરી, દવા લખી આપી અને તેઓ બહાર નીકળવા લાગ્યા.

અચાનક એ છોકરો પાછો ફર્યો.

મારી સામે આવીને બોલ્યો,
"ડૉક્ટર અંકલ... એક વાત પૂછું?"

મેં હસીને કહ્યું,
"હા બેટા, પૂછ."

એ બોલ્યો,
"તમે આખો દિવસ લોકોને સાજા કરો છો... તો જ્યારે તમે બીમાર પડો ત્યારે તમને કોણ સાજા કરે?"

એક ક્ષણ માટે હું મૌન થઈ ગયો.

એ નિર્દોષ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નહોતો.

હસીને મેં કહ્યું,
"અમારા જેવા બીજા ડૉક્ટર."

છોકરો ફરી બોલ્યો,
"પણ જ્યારે તમે આખી રાત જાગતા હો, ઘરે મોડા જાઓ, ખાવાનો સમય ન મળે... ત્યારે તમને કોણ કહે કે હવે થોડો આરામ કરો?"

હું ફરી નિઃશબ્દ હતો.

દર્દીઓની ભીડ વચ્ચે પણ એ બાળકનો પ્રશ્ન મારા મનમાં ગુંજતો રહ્યો.

લોકો ઘણીવાર ડૉક્ટરને માત્ર પાંચ મિનિટની મુલાકાતથી ઓળખે છે.

પણ એ પાંચ મિનિટ પાછળ વર્ષોનો અભ્યાસ હોય છે...
હજારો નિંદ્રાવિહોણી રાતો હોય છે...
પરિવાર સાથેના ચૂકી ગયેલા તહેવારો હોય છે...
અધૂરી રહી ગયેલી રજાઓ હોય છે...
અને ઘણા એવા દર્દીઓની યાદો હોય છે, જેમને બચાવવા માટે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી હોય.

ડૉક્ટર પણ માણસ જ હોય છે.

તેને પણ તાવ આવે છે.
તેને પણ દુઃખ થાય છે.
તેને પણ પોતાના પરિવારની ચિંતા થાય છે.
ક્યારેક તે પણ થાકી જાય છે.

પણ જ્યારે ઇમરજન્સીનો ફોન આવે...

ત્યારે પોતાનો થાક, પોતાનું જમવાનું, પોતાની ઊંઘ અને પોતાના પરિવારને થોડા સમય માટે પાછળ મૂકી દે છે.

કારણ કે કોઈ અજાણ્યો માણસ પોતાના જીવન માટે તેની રાહ જોતો હોય છે.

એટલે જ કદાચ ડૉક્ટરી માત્ર વ્યવસાય નથી...

એ જવાબદારી છે.

આજથી ઘણા વર્ષો પહેલાં, ભારતના મહાન તબીબ ડૉ. બિધાન ચંદ્ર રોયએ પોતાના સમગ્ર જીવનને દર્દીઓની સેવા માટે સમર્પિત કર્યું. તેમના જન્મદિવસ અને પુણ્યતિથિ—બંને ૧ જુલાઈએ આવે છે. તેમના અવિસ્મરણીય યોગદાનના સન્માનમાં ભારતમાં દર વર્ષે ૧ જુલાઈએ ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે.

આ દિવસ માત્ર ડૉક્ટરોને શુભેચ્છા આપવાનો દિવસ નથી.

આ દિવસ આપણને યાદ અપાવે છે કે સારવાર માત્ર દવાથી થતી નથી...

વિશ્વાસથી પણ થાય છે.

અને દર્દી પણ એ યાદ રાખે...

કે સફેદ કોટ પહેરેલો માણસ કોઈ મશીન નથી.

તેના હૃદયમાં પણ લાગણીઓ હોય છે.

કદાચ એટલા માટે જ એક નાનકડા બાળકનો એ પ્રશ્ન આજે પણ મારા મનમાં જીવંત છે...

"ડૉક્ટર અંકલ... જ્યારે તમે થાકી જાઓ ત્યારે તમારી સંભાળ કોણ રાખે?"

આ સવાલનો જવાબ આજે પણ શોધી રહ્યો છું...

ડૉ. શિરીષ વાડદોરિયા
સ્ટાર હોસ્પિટલ-કામરેજ, સુરત.

💊 “સાહેબ, તમે જે દવા આપી છે એ ગૂગલમાં તો કંઈક બીજું જ લખ્યું છે...”... Episode 137🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત...
04/06/2026

💊 “સાહેબ, તમે જે દવા આપી છે એ ગૂગલમાં તો કંઈક બીજું જ લખ્યું છે...”... Episode 137

🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍✨

એક દિવસ ઓપીડીમાં મધ્યવયના એક દર્દી આવ્યા.

તકલીફ ગંભીર નહોતી, પરંતુ તેમની આંખોમાં એક અજાણી મૂંઝવણ દેખાતી હતી.
રિપોર્ટ્સ જોયા.

તપાસ કરી.
બધી વાત સમજાવી.

દવા લખી આપી.
બધું સામાન્ય હતું.

પણ જતા જતા તેમણે એક સવાલ પૂછ્યો.
“સાહેબ, ખોટું ન લાગાડતા... પણ આ ટેસ્ટ ખરેખર જરૂરી હતો ને?”

મેં કહ્યું,“હા, કારણ વગર કોઈ ટેસ્ટ લખવામાં આવ્યો નથી.”

થોડા સમય પછી બીજો સવાલ આવ્યો.
“અને આ દવા? ગૂગલમાં તો કંઈક બીજું લખ્યું છે.”

પછી ત્રીજો સવાલ.“આ રિપોર્ટ ફરી કરાવવો પડશે? કે પછી...?”

તેમની વાતમાં અવિશ્વાસ નહોતો.
પણ સતત શંકા હતી.

હું શાંતિથી સાંભળતો રહ્યો.
પછી મેં તેમને એક સવાલ પૂછ્યો.

“તમે શું કામ કરો છો?”

તેમણે કહ્યું,“હું એકાઉન્ટન્ટ છું.”

મેં કહ્યું,“જો હું કાલે તમારી ઓફિસમાં આવીને કહું કે તમે જે ટેક્સ કૅલ્ક્યુલેશન કર્યું છે એ મને યુટ્યુબમાં બીજું દેખાય છે... તો તમને કેવું લાગે?”

તેઓ થોડા હસ્યા.
પછી શાંત થઈ ગયા.

હકીકતમાં આજકાલ એક નવી બીમારી વધી રહી છે.
રોગ શરીરમાં નથી.

રોગ વિશ્વાસમાં છે.ઘણા દર્દીઓ સારવાર પહેલાં જ ગૂગલ, યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ અને પડોશીના અભિપ્રાયથી ભરાઈને આવે છે.

ડૉક્ટર એક વાત કહે.
યૂટ્યુબ બીજી.
પડોશી ત્રીજી.
સગા ચોથી.
અને અંતે દર્દી ગૂંચવાઈ જાય.
પછી શરૂ થાય છે શંકાનો ચક્ર.
આ ટેસ્ટ કેમ?આ દવા કેમ?

આટલા દિવસ કેમ?ફરી બતાવવાનું કેમ?
બીજો રિપોર્ટ કેમ?

પ્રશ્ન પૂછવા ખોટા નથી.ખરેખર સારા દર્દી તો સવાલ પૂછે જ.

પણ એક ફરક છે.
સવાલ સમજવા માટે પૂછાય.

અને શંકા સાબિત કરવા માટે પૂછાય.
આ બન્નેમાં આકાશ-જમીનનો ફરક છે.

વિગતવાર વાતચીત પછી દર્દીએ એક વાત કબૂલી.
તેમના એક મિત્રએ કહ્યું હતું કે ડૉક્ટરો વધુ ટેસ્ટ લખે છે.

બીજાએ કહ્યું હતું કે દવા કંપનીઓના કારણે દવાઓ બદલાય છે.
ત્રીજાએ કહ્યું હતું કે બધું પૈસા માટે જ હોય છે.

અને ધીમે ધીમે તેમના મનમાં શંકાના બીજ વાવાઈ ગયા હતા.

મેં તેમને કહ્યું,“જો તમને શંકા હોય તો જરૂર પૂછો. એ તમારો અધિકાર છે. પણ દરેક નિર્ણય પાછળ સ્વાર્થ જ હશે એમ માનીને સારવાર શરૂ કરશો તો સૌથી વધુ નુકસાન તમારું જ થશે.”

રૂમમાં થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ.
પછી દર્દીએ એક વાત કહી જે આજે પણ યાદ છે.
“સાહેબ, સાચું કહું તો હું રોગથી ઓછો અને લોકોની વાતોથી વધારે ગૂંચવાઈ ગયો હતો.”

આ વાક્ય બહુ બધું કહી ગયું.
આજે માહિતીનો યુગ છે.

પણ માહિતી વધી છે એટલે સમજણ પણ વધી છે એવું જરૂરી નથી.
ગૂગલ તમને હજારો જવાબ આપશે.

પણ ગૂગલ તમારા શરીરની તપાસ નહીં કરે.
યૂટ્યુબ તમને વિડિયો બતાવશે.

પણ યૂટ્યુબ તમારી નાડી નહીં પકડે.
વોટ્સએપ સલાહ આપશે.

પણ તમારી જવાબદારી નહીં લે.
ડૉક્ટર લે છે.

આ કેસ મને એટલા માટે યાદગાર રહ્યો કે અહીં સમસ્યા રોગ નહોતી.
સમસ્યા વિશ્વાસની હતી.

અને ઘણી વાર સારવાર શરૂ થાય એ પહેલાં વિશ્વાસની સારવાર કરવી પડે છે.
યાદ રાખો...સારો ડૉક્ટર સવાલોથી ડરતો નથી.

સારો ડૉક્ટર દર્દીને સમજાવવા તૈયાર હોય છે.

પણ ડૉક્ટર અને દર્દી વચ્ચેનો સંબંધ જો માત્ર શંકા પર ઉભો રહેશે તો સારવાર ક્યારેય સંપૂર્ણ નહીં બને.

કારણ કે...દવા શરીરને અસર કરે છે.

પણ વિશ્વાસ આખી સારવારને અસર કરે છે.

ડૉક્ટર દવા લખે છે...
પણ દર્દીને સારું કરવામાં ઘણી વાર વિશ્વાસ સૌથી શક્તિશાળી દવા સાબિત થાય છે. ❤️🩺💊

જો તમને આવી જ દુર્લભ, રસપ્રદ અને જીવનને અરીસો દેખાડે એવી સત્ય ઘટનાઓ વાંચવી ગમે, તો જરૂર જણાવશો. તમારો પ્રતિસાદ મળશે તો હું આવી જ નવી અને સ્પર્શી જતી સત્ય ઘટનાઓ તમારી સામે રજૂ કરતો રહીશ.

આપનો આ પ્રેમ અને આશીર્વાદ મારા માટે બહુ કિંમતી છે. મારા પેજ અને પોસ્ટ્સ ગમતા હોય તો કૃપા કરીને તમારા ગ્રુપોમાં પણ શેર કરશો, જેથી આવી વાતો વધુ લોકો સુધી પહોંચે.

ડૉ. શિરીષ વાડદોરિયા
સ્ટાર હોસ્પિટલ-કામરેજ, સુરત.

#વિશ્વાસ #ડૉક્ટરદર્દીસંબંધ #સાચીસારવાર #આરોગ્યજાગૃતિ #ચિકિત્સાચરિત્ર #સત્યઘટના #ડૉશિરીષવાડદોરિયા

💔 "દર્દી હાર્ટ એટેકથી મર્યો... પણ ખૂની માત્ર હાર્ટ એટેક નહોતો."... Episode 136🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍...
04/06/2026

💔 "દર્દી હાર્ટ એટેકથી મર્યો... પણ ખૂની માત્ર હાર્ટ એટેક નહોતો."... Episode 136

🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍✨

આ કોઈ એક દર્દીની સત્ય ઘટના નથી.

આ એક એવી કડવી હકીકત છે જે આજે દેશભરના હજારો ડૉક્ટરો દરરોજ અનુભવે છે.
એક મધરાતની વાત છે.

રાત્રિના લગભગ બે વાગ્યા હશે.
62 વર્ષના એક વ્યક્તિને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો.

પરસેવાથી આખું શરીર ભીનું થઈ ગયું હતું.
શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

ચહેરા પર ગભરાટ હતો.અને આંખોમાં સ્પષ્ટ દેખાતો હતો — મૃત્યુનો ડર.

પરિવારજનો ગભરાઈ ગયા.તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
ડ્યુટી પર રહેલા ડૉક્ટરે તરત તપાસ કરી.

ઈસીજી કરવામાં આવ્યું.
રિપોર્ટ સામે આવ્યો.

ગંભીર હાર્ટ એટેક.દરેક મિનિટ કિંમતી હતી.

દરેક મિનિટ સાથે હૃદયના કોષો મરી રહ્યા હતા.
ડૉક્ટરને ખબર હતી કે શું કરવું.

હોસ્પિટલમાં થ્રોમ્બોલાઇટિક ઇન્જેક્શન હતું.ઓક્સિજન હતી.દવાઓ હતી.

મોનિટર હતું.જ્ઞાન હતું.
અનુભવ હતો.અને કદાચ દર્દીને બચાવવાની તક પણ હતી.
પણ એક વસ્તુ નહોતી.સુરક્ષાની ખાતરી.

થોડા સમય પહેલાં નજીકના શહેરમાં એક ગંભીર દર્દીનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ પછી હોસ્પિટલમાં તોડફોડ થઈ.

ડૉક્ટરોને માર મારવામાં આવ્યો.
નર્સોને ધમકીઓ આપવામાં આવી.
હોસ્પિટલના કાચ તોડી નાખવામાં આવ્યા.

અને આખી ઘટનાએ ઘણા ડૉક્ટરોના મનમાં એક ડર બેસાડી દીધો.

તાજેતરમાં ઉદયપુરની જે.પી. હોસ્પિટલમાં બનેલી ઘટના ફરી એકવાર દેશભરના ડૉક્ટરોને યાદ અપાવી ગઈ કે આજે હોસ્પિટલ પણ સુરક્ષિત નથી રહી.

આ ડૉક્ટરે પણ આ બધી ઘટનાઓ જોઈ હતી.
સમાચારમાં વાંચી હતી.

સાથી ડૉક્ટરો પાસેથી સાંભળી હતી.
અને કદાચ અંદર ક્યાંક એક પ્રશ્ન સતત જીવતો હતો.

"જો દર્દી ન બચ્યો તો?"
"જો સ્વજનો ગુસ્સે થઈ ગયા તો?"
"જો હોસ્પિટલમાં તોડફોડ થઈ તો?"
"જો મારા સ્ટાફ પર હુમલો થયો તો?"
"જો મારી ભૂલ ન હોવા છતાં મને જ દોષી ઠેરવવામાં આવ્યો તો?"

આ પ્રશ્નો આજે માત્ર એક ડૉક્ટરને નથી સતાવતા.
આ પ્રશ્નો સમગ્ર આરોગ્ય વ્યવસ્થાને સતાવી રહ્યા છે.

ડૉક્ટરે પરિવારને કહ્યું,"દર્દીની હાલત ગંભીર છે. તમે તરત મોટી હોસ્પિટલમાં લઈ જાઓ."

એમ્બ્યુલન્સ ફરી દોડી.
સાયરન વાગતું રહ્યું.
રસ્તો કાપવાનો પ્રયત્ન થતો રહ્યો.
પણ હાર્ટ એટેક કોઈની રાહ જોતો નથી.

દરેક મિનિટ મોડું થતું રહ્યું.
દર્દીનો શ્વાસ વધુ ભારે બનતો ગયો.

દુખાવો વધતો ગયો.અને મોટી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું હૃદય હારી ગયું.
પરિવાર તૂટી પડ્યો.
રડવાનો અવાજ ગૂંજી ઉઠ્યો.

બધાએ કહ્યું —"નસીબમાં એટલું જ હતું."

પણ શું ખરેખર માત્ર નસીબ જવાબદાર હતું?
કદાચ નહીં.કદાચ તે ડૉક્ટર દર્દીને બચાવવા માંગતા હતા.

કદાચ તેમને ખબર હતી કે સમયસર સારવાર મળી જાય તો દર્દી બચી પણ શકે.
પણ તેમની સામે માત્ર હાર્ટ એટેક નહોતો.

તેમની સામે સમાજનો ડર પણ ઊભો હતો.
આજે ઘણા લોકો પૂછે છે —"ડૉક્ટરો ગંભીર દર્દીને મોટી હોસ્પિટલમાં કેમ મોકલી આપે છે?"

"થ્રોમ્બોલિસિસ કેમ નથી કરતા?"
"જોખમવાળા દર્દીને હાથ કેમ નથી લગાવતા?"

જવાબ હંમેશા તબીબી નથી હોતો.
ક્યારેક જવાબ સામાજિક હોય છે.

કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી હિંસા, તોડફોડ અને અપમાનની ઘટનાઓએ અનેક ડૉક્ટરોના મનમાં એક અદૃશ્ય ડર બેસાડી દીધો છે.

હિંસાનો ભોગ માત્ર ડૉક્ટર નથી બનતો.
હિંસાનો સૌથી મોટો ભોગ તો આવતીકાલનો દર્દી બને છે.
કારણ કે જ્યારે ડૉક્ટર જોખમ લેવાનું બંધ કરે છે...

ત્યારે સારવાર મોડી પડે છે.
જ્યારે સારવાર મોડી પડે છે...

ત્યારે મૃત્યુ વધે છે.અને જ્યારે મૃત્યુ વધે છે...
ત્યારે આખો સમાજ તેની કિંમત ચૂકવે છે.

આજે દેશભરના હજારો અનુભવી ડૉક્ટરો ગંભીર દર્દીની સારવાર શરૂ કરતાં પહેલાં ચાર વખત વિચારે છે.

કારણ કે હવે પ્રશ્ન માત્ર દર્દીના રોગનો નથી રહ્યો.
પ્રશ્ન પોતાના સ્ટાફની સુરક્ષાનો પણ છે.

પ્રશ્ન પોતાના પરિવાર સુધી સલામત ઘરે પહોંચવાનો પણ છે.
અમે ડૉક્ટરો કોઈ વિશેષ અધિકાર માંગતા નથી.

માત્ર એટલી જ માંગણી કરીએ છીએ કે હોસ્પિટલમાં થતી હિંસાને એટલી જ ગંભીરતાથી લેવામાં આવે જેટલી ગંભીરતાથી કોઈ પોલીસ અધિકારી, સરકારી અધિકારી અથવા જાહેર પ્રતિનિધિ પર થયેલી હિંસાને લેવામાં આવે છે.

દરેક ઘટના પછી થોડા દિવસ ચર્ચા થાય છે.
થોડા લોકોની અટકાયત થાય છે.

પછી બધું શાંત થઈ જાય છે.
અને પછી બીજી કોઈ હોસ્પિટલમાં ફરી એક નવી ઘટના બની જાય છે.

વિકસિત ભારતનું સ્વપ્ન જોતા દેશ માટે આ પરિસ્થિતિ અત્યંત શરમજનક છે.
કારણ કે ડૉક્ટરોને ડરાવીને, માર મારીને અને અસુરક્ષિત બનાવીને કોઈ દેશ વિકસિત બની શકતો નથી.

એક કડવી હકીકત છે...ડરેલો ડૉક્ટર ઘણી વાર ભૂલ નથી કરતો.

ડરેલો ડૉક્ટર સારવાર કરવાનું જ બંધ કરી દે છે.
અને તેની સૌથી મોટી કિંમત દર્દી અને તેનો પરિવાર ચૂકવે છે.

યાદ રાખજો...ડૉક્ટરની સુરક્ષા અને દર્દીની સુરક્ષા એકબીજાથી અલગ નથી.

એ એક જ સિક્કાની બે બાજુ છે.

હાર્ટ એટેકે કદાચ એક દર્દીનો જીવ લીધો...

પણ ડૉક્ટરો સામેની હિંસાએ કદાચ અનેક ભવિષ્યના દર્દીઓની આશા છીનવી લીધી. 💔🩺🚑

જો તમને આવી જ દુર્લભ, રસપ્રદ અને જીવનને અરીસો દેખાડે એવી સત્ય ઘટનાઓ વાંચવી ગમે, તો જરૂર જણાવશો. તમારો પ્રતિસાદ મળશે તો હું આવી જ નવી અને સ્પર્શી જતી સત્ય ઘટનાઓ તમારી સામે રજૂ કરતો રહીશ.

આપનો આ પ્રેમ અને આશીર્વાદ મારા માટે બહુ કિંમતી છે. મારા પેજ અને પોસ્ટ્સ ગમતા હોય તો કૃપા કરીને તમારા ગ્રુપોમાં પણ શેર કરશો, જેથી આવી વાતો વધુ લોકો સુધી પહોંચે.

ડૉ. શિરીષ વાડદોરિયા
સ્ટાર હોસ્પિટલ-કામરેજ, સુરત.

#ડોક્ટર_સુરક્ષા #ડોક્ટરો_પર_હિંસા_બંધ_કરો #દર્દી_સુરક્ષા #આરોગ્ય_વ્યવસ્થા #સ્ટારહોસ્પિટલ #કામરેજ #સુરત #ગુજરાત #સત્યઘટના

💸 ડૉક્ટરની ફી કેટલી બધી છે? આટલી બધી થોડી હોય?, થોડું ઓછું નહીં થાય? ઓળખાણ છે… ફ્રીમાં બતાવી દો ને!”... Episode 135અને મ...
18/05/2026

💸 ડૉક્ટરની ફી કેટલી બધી છે? આટલી બધી થોડી હોય?, થોડું ઓછું નહીં થાય? ઓળખાણ છે… ફ્રીમાં બતાવી દો ને!”... Episode 135

અને મજાની વાત તો એ છે કે આવી પોસ્ટ વાંચ્યા પછી પણ કેટલાક લોકો કૉમેન્ટમાં સૌથી પહેલો સવાલ એ જ પૂછશે —

“સાહેબ, તમારી ફી કેટલી છે?”

🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍✨

આ કોઈ એક દર્દીની સત્ય ઘટના નથી.

આ આપણા સમગ્ર સમાજની માનસિકતાનો અરીસો છે.

આપણાં સમાજમાં એક વિશેષ પ્રકારની માનસિકતા ખૂબ સામાન્ય બની ગઈ છે.

મોબાઇલ બદલવો હોય તો બ્રાન્ડેડ જ જોઈએ.
કપડાં ખરીદવા હોય તો કોઈ વાંધો નહીં.
હોટેલમાં જમવું હોય તો બિલ ચૂકવી દેવું.
પ્રવાસ કરવો હોય તો ખર્ચ સ્વીકાર્ય.

પણ આરોગ્યની વાત આવે એટલે પહેલો સવાલ —“ફી કેટલી છે?”

બીજો સવાલ —“થોડું ઓછું નહીં થાય?”

ત્રીજો સવાલ —“ઓળખાણ છે… ફ્રીમાં બતાવી દો ને!”

અને જો સગા, મિત્ર કે પડોશી હોય તો —

“સાહેબ, આપણા જ માણસ છે… કંઈ લેતા નહીં.”

પછી એ જ વિચાર આગળ વધે છે.

મેડિકલ સ્ટોરમાં ડિસ્કાઉન્ટ જોઈએ.
લેબોરેટરીમાં ડિસ્કાઉન્ટ જોઈએ.
સ્કેનમાં ડિસ્કાઉન્ટ જોઈએ.
હોસ્પિટલમાં ડિસ્કાઉન્ટ જોઈએ.

જાણે આરોગ્યસેવા કોઈ સેલમાં મળતી વસ્તુ હોય.

પણ એક પ્રશ્ન હું ઘણી વાર મનમાં પૂછું છું.

જ્યારે મારા ઘરે પ્લમ્બર આવે છે…
ઇલેક્ટ્રિશિયન આવે છે…
ફ્રિજ રિપેરિંગવાળો આવે છે…
આરઓ સિસ્ટમ સર્વિસ કરનાર આવે છે…
કાર સાફ કરનાર આવે છે…

ત્યારે શું તેઓ કહે છે?“ડૉક્ટર સાહેબ, તમે સમાજની સેવા કરો છો. આ કામ મફતમાં.”

ના.

ઉલટું ઘણી વાર એવું અનુભવાય છે કે “ડૉક્ટર છે” જાણીને ચાર્જ થોડો વધુ જ કહેવામાં આવે છે.

અને અમે ચૂકવીએ પણ છીએ.

કારણ કે દરેક વ્યક્તિ પોતાની મહેનત, કૌશલ્ય અને સમયનું મૂલ્ય લેવાનો અધિકાર ધરાવે છે.

તો પછી ડૉક્ટરનું જ્ઞાન, અનુભવ, જવાબદારી અને વર્ષોની મહેનતનું મૂલ્ય કેમ ન હોય?

ડૉક્ટર પણ આ જ સમાજનો એક સામાન્ય માણસ છે.

તેને પણ ઘર ચલાવવું હોય છે.
બાળકોને ભણાવવા હોય છે.
વીજળીના બિલ ભરવાના હોય છે.
કર્મચારીઓનો પગાર આપવાનો હોય છે.

હોસ્પિટલનું સંચાલન કરવાનું હોય છે.
અને સૌથી અગત્યનું — દરેક દર્દીના જીવનની જવાબદારી લેવાની હોય છે.

ડૉક્ટરની ફી માત્ર પાંચ-દસ મિનિટ માટે નથી.

તે વર્ષોની મહેનત માટે છે.
અભ્યાસ માટે છે.
અનુભવ માટે છે.
જવાબદારી માટે છે.

અને તમારા જીવન માટે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા માટે છે.

વિચારવાની વાત છે કે જે માણસ મોબાઇલના કવર માટે પણ ભાવતાલ કરતો નથી, તે પોતાના હૃદય, કિડની, મગજ અને જીવન માટે ડિસ્કાઉન્ટ શોધે છે.

સાચું કહું તો સૌથી મોંઘી વસ્તુ ડૉક્ટરની ફી નથી.

સૌથી મોંઘી વસ્તુ છે —મોડું થયેલું નિદાન.

હાર્ટ એટેક.
સ્ટ્રોક.
કિડની ફેલ્યોર.
ડાયાલિસિસ.
આઈસીયુ.

અને પરિવારની આંખોમાં દેખાતો પસ્તાવો.

ઘણા લોકો કહે છે —“સાહેબ, થોડું ઓછું કરો.”

પણ જીવન ઘણી વાર કહે છે —“સમયસર ધ્યાન આપ્યું હોત તો આજે એટલું વધારે ચૂકવવું ન પડત.”

ડૉક્ટરની ફી ખર્ચ નથી.
તે ભવિષ્યના મોટા નુકસાન સામેનું રક્ષણ છે.

સાચી સલાહ, સાચું નિદાન અને યોગ્ય માર્ગદર્શન ઘણી વાર લાખો રૂપિયાની જટિલતા અટકાવી શકે છે.

અને મજાની વાત તો એ છે કે આટલી લાંબી પોસ્ટ વાંચ્યા પછી પણ કેટલાક લોકો કૉમેન્ટમાં ફરી એ જ પૂછશે —

“સાહેબ, તમારી ફી કેટલી છે?”

બસ, આ જ તો માનસિકતા છે.
જ્યાં જ્ઞાન કરતાં ભાવ વધારે મહત્વનો લાગે છે.

જ્યાં સલાહ કરતાં ડિસ્કાઉન્ટ વધારે અગત્યનો લાગે છે.
જ્યાં આરોગ્યનું મૂલ્ય સમજાતું નથી… જ્યાં સુધી શરીર પોતે હિસાબ ન વસૂલે.

આ કોઈ ફરિયાદ નથી.
આ માત્ર સત્ય છે.

જો દરેક વ્યવસાયને પોતાની મહેનતનું મૂલ્ય લેવાનો અધિકાર છે…

તો ડૉક્ટરને પણ છે.કારણ કે ડૉક્ટર પણ આ જ સમાજનો એક ભાગ છે.

અને સમાજમાં જે નિયમ સૌ માટે લાગુ પડે છે, તે ડૉક્ટર માટે પણ લાગુ પડે છે.

ડિસ્કાઉન્ટ દવામાં શોધતા હતા…
પણ સાચી બચત તો સમયસરના નિદાનમાં છુપાયેલી હતી. 🩺💰❤️

જો તમને આવી જ દુર્લભ, રસપ્રદ અને જીવનને અરીસો દેખાડે એવી સત્ય ઘટનાઓ વાંચવી ગમે, તો જરૂર જણાવશો. તમારો પ્રતિસાદ મળશે તો હું આવી જ નવી અને સ્પર્શી જતી સત્ય ઘટનાઓ તમારી સામે રજૂ કરતો રહીશ.

આપનો આ પ્રેમ અને આશીર્વાદ મારા માટે બહુ કિંમતી છે. મારા પેજ અને પોસ્ટ્સ ગમતા હોય તો કૃપા કરીને તમારા ગ્રુપોમાં પણ શેર કરશો, જેથી આવી વાતો વધુ લોકો સુધી પહોંચે.

ડૉ. શિરીષ વાડદોરિયા
સ્ટાર હોસ્પિટલ-કામરેજ, સુરત.

#ડૉક્ટરનીફી #આરોગ્યનુંમૂલ્ય #ડૉક્ટરનાસન્માન #સમયસરચેકઅપ #સાચુંનિદાન #દર્દીનીમાનસિકતા #ચિકિત્સાચરિત્ર #સત્યઘટના #ડૉશિરીષવાડદોરિયા

🫀 “તકલીફ નહોતી સાહેબ… એટલે દવા શા માટે લેવી?”અને શરીરે વર્ષો પછી હિસાબ વ્યાજ સાથે વસૂલ્યો. Episode 134🩺 ચિકિત્સા ચરિત્ર ...
13/05/2026

🫀 “તકલીફ નહોતી સાહેબ… એટલે દવા શા માટે લેવી?”
અને શરીરે વર્ષો પછી હિસાબ વ્યાજ સાથે વસૂલ્યો. Episode 134

🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍✨
ક્યારેક સૌથી ખતરનાક દર્દી એ નથી જે ખૂબ બીમાર લાગે છે.સૌથી ખતરનાક સ્થિતિ તો એ હોય છે, જ્યારે દર્દી કહે છે — “મને કોઈ તકલીફ નથી.”

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એવા રોગો છે, જે ઘણી વાર વર્ષો સુધી શાંતિથી અંદરથી નુકસાન કરતા રહે છે. દર્દીને દુખાવો નથી થતો. તાવ નથી આવતો. ચક્કર નથી આવતા. એટલે દર્દી માની લે છે કે બધું સારું છે.

પણ શરીર અંદરથી દરેક ભૂલનો હિસાબ રાખે છે.

એક પંચાવન વર્ષની મહિલા દર્દી વર્ષો પહેલાં મારી પાસે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે આવતાં હતાં. તેઓ નોકરી કરતાં હતાં. થોડું ઘણું ભણેલા હતાં. બોલવામાં આત્મવિશ્વાસ પણ ઘણો હતો. પરંતુ એક બાબતમાં તેઓ ખૂબ અડગ હતાં — “મારે બ્લડ પ્રેશરની ગોળી લેવી જ નથી.”

તેમનું બ્લડ પ્રેશર વારંવાર 180 થી 190 સુધી રહેતું હતું.

દરેક મુલાકાતે હું તેમને સમજાવતો,

“આ ખૂબ જોખમી છે. આજે તકલીફ નથી એટલે બધું ઠીક છે એવું નથી. આવું બ્લડ પ્રેશર વર્ષો સુધી રહેશે તો હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક, કિડનીની તકલીફ અને આંખો પર ગંભીર અસર થઈ શકે.”

પણ તેમનો એક જ જવાબ રહેતો,

“મને બ્લડ પ્રેશર હોય તો હોય. મને કોઈ તકલીફ નથી. એટલે મારે બ્લડ પ્રેશરની દવા લેવી નથી.”

ડાયાબિટીસની દવા ક્યારેક લઈ લેતા, પણ બ્લડ પ્રેશરની દવા લેવાની તો તેમણે જાણે ના જ પાડી દીધી હતી.

ખરેખર કહું તો, આ પ્રકારની માનસિકતા દર્દી માટે પણ ઘાતક છે, પરિવાર માટે પણ ઘાતક છે અને સમાજ માટે પણ ઘાતક છે. કારણ કે આજકાલ કેટલાક લોકોને બધું ઓનલાઇન જોઈએ છે. ઓનલાઇન માહિતી જોઈએ. ઓનલાઇન સારવાર જોઈએ. યૂટ્યુબના વિડિયો જોઈએ. શોર્ટકટ જોઈએ. પણ સામે બેઠેલો ડૉક્ટર, જે હજારો દર્દીઓ જોઈને, અનુભવથી સલાહ આપી રહ્યો છે — તેની સલાહ માનવી નથી.

માહિતી સારી બાબત છે. પણ અડધી માહિતી ઘણી વાર ઝેર બની જાય છે.

કોઈ બે મિનિટનો વિડિયો જોઈને જો તમે માનો કે “દવા વગર બધું ઠીક થઈ જશે”, તો યાદ રાખો — વિડિયો તમારા હૃદયને બચાવશે નહીં.

શરીર યૂટ્યુબથી નથી ચાલતું.

શરીર બાયોલોજીના નિયમોથી ચાલે છે.

હૃદયને કોઈ ફરક પડતો નથી કે તમે કેટલા ભણેલા છો, કેટલા આત્મવિશ્વાસથી બોલો છો, કે કેટલા વિડિયો જોયા છે.

પછી ધીમે ધીમે તેઓ આવવાનું બંધ કરી દીધું.
બે-ત્રણ વર્ષ સુધી મુલાકાત જ નહીં.

ગઈકાલે સવારે એ જ દર્દી ફરી મારી સામે બેઠા.
આ વખતે ચહેરા પર જૂનો આત્મવિશ્વાસ નહોતો.

શ્વાસ ચડતો હતો.
પગમાં સોજો હતો.
ચાલતાં થાક લાગી રહ્યો હતો.

મેં પૂછ્યું,“આટલા વર્ષો સુધી બતાવવા કેમ ન આવ્યા?”

તેમણે ખૂબ સામાન્ય રીતે જવાબ આપ્યો,“સાહેબ, મને તકલીફ જ નહોતી. તો શું કામ આવું?”

મેડિસિનમાં આ વાક્ય ઘણી વાર ખૂબ મોંઘું પડે છે.
હવે તેમની ફરિયાદ હતી —

છેલ્લા બે મહિનાથી ચાલતાં શ્વાસ ચડી જવો.
થોડું કામ કરતાં જ થાકી જવું.

રાત્રે સીધું સૂતાં મુંઝારો થવો.
પગમાં સોજો આવવો.

શરીરમાં ભારેપણું અનુભવવું.
તપાસો કરાવી.

અને સત્ય સામે આવ્યું.
એક્યુટ પલ્મનરી એડીમા — એટલે ફેફસાંમાં પાણી ભરાઈ જવું.

હૃદયની નળીઓમાં બ્લોકેજ અને સૌથી કડવી વાત — હૃદયનું પંપિંગ માત્ર 15 થી 20 ટકા.

એક સમય હતો જ્યારે રોજની એક નાની ગોળી લેવાથી કદાચ ઘણું નુકસાન અટકી શકતું.

હવે આખું જીવન બદલાઈ ગયું.

દવાઓ.
મીઠાની મર્યાદા.
પાણીનું નિયંત્રણ.
વારંવાર રિપોર્ટ્સ.

કાર્ડિયોલોજી ફોલોઅપ.
અને હૃદયની નબળાઈ સાથે જીવવાની નવી હકીકત.

મેં તેમને શાંતિથી કહ્યું,“તમે વર્ષો સુધી કહેતા રહ્યા કે ‘મને કંઈ થતું નથી.’ પણ હકીકતમાં અંદરથી હૃદય ધીમે ધીમે તૂટી રહ્યું હતું.”

તેઓ શાંત થઈ ગયા.

પછી ધીમેથી પૂછ્યું,“સાહેબ… ગોળી નિયમિત લીધી હોત તો?”

આ સવાલનો જવાબ ભારે હતો.

હા.

કદાચ આજે સ્થિતિ ઘણી સારી હોત.
કદાચ હૃદયનું પંપિંગ આટલું ઓછું ન થયું હોત.
કદાચ શ્વાસ માટે આટલી લડાઈ ન કરવી પડત.
કદાચ આગળનું જીવન વધુ સારું રહી શક્યું હોત.

પણ મેડિસિનમાં “કાશ” ઘણી વાર બહુ મોડું આવે છે.
આજે પણ અમે સારવાર કરી રહ્યા છીએ.

હૃદયને જેટલું બચાવી શકાય તેટલું બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
પરંતુ હકીકત એ છે કે હવે તેમની આગળની જિંદગી પહેલાની જેવી સરળ નહીં રહે.

આ કેસ મને એટલા માટે ખૂબ યાદગાર રહ્યો કે મારા સમગ્ર વ્યવસાયમાં ભાગ્યે જ કોઈ દર્દી એટલા અડગપણે જરૂરી સારવારનો ઇનકાર કરતો જોવા મળ્યો હતો.

શિક્ષણ સારું હોય એ પૂરતું નથી.
યોગ્ય નિર્ણય લેવો વધુ મહત્વનો છે.

ઇન્ટરનેટ પર માહિતી મેળવવી સારી બાબત છે.
પરંતુ માહિતી અને જ્ઞાન એક જ વસ્તુ નથી.

યૂટ્યુબનો વિડિયો સલાહ આપી શકે.પરંતુ તમારા હૃદય, કિડની, આંખો અને જીવનની જવાબદારી અનુભવી ડૉક્ટર જ લઈ શકે.

દરેક દર્દીએ યાદ રાખવું જોઈએ —

દવા લેવી ગુલામી નથી.
દવા એ શરીરને ભવિષ્ય માટે આપેલી સુરક્ષા છે.

બ્લડ પ્રેશરની ગોળી દુશ્મન નથી.
અનકંટ્રોલ બ્લડ પ્રેશર સાચો દુશ્મન છે.

ડાયાબિટીસની દવા બોજ નથી.
અનિયંત્રિત શુગર જ સૌથી મોટો બોજ છે.

અને સૌથી મોટી ભૂલ એ છે —“મને તકલીફ નથી, એટલે મને રોગ નથી.”

ક્યારેક એક નાની ગોળી આખું જીવન બચાવી શકે છે.
અને ક્યારેક એક જ વાક્ય આખી જિંદગી બદલી નાખે છે —“મને કંઈ થતું નથી.”

તેમણે વર્ષો સુધી ગોળી લેવા ઇનકાર કર્યો…અંતે હૃદયે પંપિંગ ઘટાડીને પોતાનો ચુકાદો આપી દીધો. 🫀💊🩺

જો તમને આવી જ દુર્લભ, રસપ્રદ અને જીવનને અરીસો દેખાડે એવી સત્ય ઘટનાઓ વાંચવી ગમે, તો જરૂર જણાવશો. તમારો પ્રતિસાદ મળશે તો હું આવી જ નવી અને સ્પર્શી જતી સત્ય ઘટનાઓ તમારી સામે રજૂ કરતો રહીશ.

આપનો આ પ્રેમ અને આશીર્વાદ મારા માટે બહુ કિંમતી છે. મારા પેજ અને પોસ્ટ્સ ગમતા હોય તો કૃપા કરીને તમારા ગ્રુપોમાં પણ શેર કરશો, જેથી આવી વાતો વધુ લોકો સુધી પહોંચે.

ડૉ. શિરીષ વાડદોરિયા
સ્ટાર હોસ્પિટલ-કામરેજ, સુરત.

#ડાયાબિટીસ #બ્લડપ્રેશર #હાર્ટફેલ્યોર #દવાનિયમિતલેવી #બીપીકંટ્રોલ #શુગરકંટ્રોલ #હૃદયનીનબળાઈ #યૂટ્યુબવર્સસવિજ્ઞાન #સાચુંનિદાન #ચિકિત્સાચરિત્ર #સત્યઘટના #ડૉશિરીષવાડદોરિયા

🩸 “માત્ર ચાર દિવસ માટે માસિક ટાળવા માંગ્યાં હતાં… પરંતુ શરીર અંદર એક નવું જીવન ધબકી રહ્યું હતું.”... Episode 133🩺 ચિકિત્...
12/05/2026

🩸 “માત્ર ચાર દિવસ માટે માસિક ટાળવા માંગ્યાં હતાં… પરંતુ શરીર અંદર એક નવું જીવન ધબકી રહ્યું હતું.”... Episode 133

🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍✨

ક્યારેક આપણે પરંપરા, શ્રદ્ધા અને સામાજિક પ્રસંગોને એટલું મહત્વ આપીએ છીએ કે શરીર શું કહી રહ્યું છે તે સાંભળવાનું ભૂલી જઈએ છીએ.

એક દિવસ લગભગ અઠ્ઠાવીસ વર્ષની એક મહિલા ખૂબ ગભરાયેલ હાલતમાં તેમના પતિ સાથે મારી પાસે આવી.

મુખ્ય ફરિયાદ હતી — યોનિમાર્ગમાંથી રક્તસ્ત્રાવ, પેટના નીચેના ભાગમાં દુખાવો અને ભારે ચિંતા.

બેસતાં જ આંખોમાં આંસુ સાથે તેમણે કહ્યું,

“સાહેબ… મેં તો માત્ર માસિક થોડા દિવસ માટે અટકાવવા દવા લીધી હતી.”

હિસ્ટ્રી લેતાં ધીમે ધીમે આખી વાત સામે આવી.

ઘરમાં ધાર્મિક વિધિ હતી.

પૂજા હતી.

શ્રાદ્ધ હતું.

અને પરિવારની માન્યતા એવી હતી કે માસિક દરમિયાન સ્ત્રીએ રસોડામાં ન જવું, પાણીના ઘડાને સ્પર્શ ન કરવો અને કેટલીક ધાર્મિક વિધિઓથી દૂર રહેવું.

આ માન્યતાઓ પાછળનો મૂળ હેતુ કદાચ સ્ત્રીને આરામ આપવાનો રહ્યો હશે. આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ તે સમયની પરિસ્થિતિમાં સ્ત્રીઓને ભારે કામમાંથી વિરામ મળે તે માટે આવા નિયમો રચ્યા હશે. પરંતુ સમય જતાં ઘણા લોકો મૂળ હેતુ ભૂલી ગયા અને તેને કડક પ્રતિબંધ સમજી બેઠા.

આ મહિલા પણ શ્રદ્ધાળુ હતી.

તેમને લાગ્યું કે ધાર્મિક વિધિમાં અવરોધ ન આવે, તેથી માસિક મોડું થાય તે માટે બજારમાંથી દવા લઈ લીધી.

પરંતુ એક અગત્યની વાત તેઓને ખબર નહોતી.

તેમના શરીરમાં પહેલેથી જ એક નવું જીવન શરૂ થઈ ચૂક્યું હતું.

તેઓ લગભગ એક મહિનાની ગર્ભવતી હતાં.

તેમને હજુ ગર્ભાવસ્થા હોવાની ખબર નહોતી.

દવા લીધા પછી થોડા દિવસમાં પેટમાં દુખાવો શરૂ થયો.

પછી રક્તસ્ત્રાવ થયો.

અને આખું ઘર ગભરાઈ ગયું.

તપાસ કરતાં સમજાયું કે ગર્ભાવસ્થા ખૂબ પ્રારંભિક અવસ્થામાં હતી અને ગર્ભને અસર પહોંચી હતી. આવી પરિસ્થિતિમાં ગર્ભ ટકી રહેવાની શક્યતા ઓછી થઈ શકે છે અને કેટલીક મહિલાઓમાં ગર્ભપાત જેવી જટિલતા પણ થઈ શકે.

આ ક્ષણે દર્દીની આંખોમાં એક જ સવાલ હતો,

“સાહેબ… શું મેં ભૂલ કરી?”

મેડિસિનમાં ઘણા સવાલોના જવાબ સરળ નથી.

પણ હા — આ ઘટના આપણને ખૂબ મોટો પાઠ શીખવે છે.

માસિક આગળ ધપાવતી દવાઓ સામાન્ય રીતે સુરક્ષિત હોઈ શકે છે, પરંતુ ગર્ભાવસ્થાની શક્યતા હોય તો કોઈપણ હોર્મોનલ દવા ડૉક્ટરની સલાહ વિના લેવી યોગ્ય નથી.

ખાસ કરીને જો:

માસિક તારીખ નજીક હોય.

ગર્ભ રહેવાની શક્યતા હોય.

તાજેતરમાં અસુરક્ષિત સંબંધ થયા હોય.

અથવા ગર્ભની યોજના ચાલી રહી હોય.

મેં પરિવારને ખૂબ શાંતિથી સમજાવ્યું,

“શ્રદ્ધા ખૂબ સુંદર બાબત છે. પરંતુ ભગવાને આપેલું શરીર પણ એટલું જ પવિત્ર છે. કોઈપણ ધાર્મિક વિધિ કરતાં માતા અને ગર્ભમાં રહેલું જીવન વધુ મૂલ્યવાન છે.”

રૂમમાં થોડા સેકન્ડ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ.

કારણ કે ઘણી વાર આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે દોડીએ છીએ… અને ભગવાને આપેલા શરીરના સંકેતો અવગણીએ છીએ.

આ ઘટનાએ મને ફરી યાદ અપાવ્યું —

આપણા પૂર્વજોના નિયમોનો મૂળ હેતુ સ્ત્રીને અશુદ્ધ ગણવાનો નહોતો.

તેને આરામ આપવાનો હતો.

સન્માન આપવાનો હતો.

અને તેની શારીરિક જરૂરિયાતોને માન આપવાનો હતો.

જો માસિક આવે તો તેને સ્વાભાવિક રીતે સ્વીકારવું જોઈએ.

અને જો માસિક મોડું કરવાની જરૂર હોય તો પહેલાં ખાતરી કરવી જોઈએ કે ગર્ભાવસ્થા નથી.

કોઈપણ હોર્મોનલ દવા ડૉક્ટરની સલાહ વિના લેવી નહીં.

ભગવાન શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે… શરીરને નુકસાન પહોંચાડવાથી નહીં.

માસિક ટાળવા માટે લેવાયેલી ગોળીએ તેમને એક વાત શીખવી ગઈ — શરીરનો સંદેશ અવગણવો નહીં. કારણ કે ક્યારેક અંદર માત્ર હોર્મોન નહીં… એક નવું જીવન ધબકી રહ્યું હોય છે. 🩸🤰🩺

જો તમને આવી જ દુર્લભ, રસપ્રદ અને જીવનને અરીસો દેખાડે એવી સત્ય ઘટનાઓ વાંચવી ગમે, તો જરૂર જણાવશો. તમારો પ્રતિસાદ મળશે તો હું આવી જ નવી અને સ્પર્શી જતી સત્ય ઘટનાઓ તમારી સામે રજૂ કરતો રહીશ.

આપનો આ પ્રેમ અને આશીર્વાદ મારા માટે બહુ કિંમતી છે. મારા પેજ અને પોસ્ટ્સ ગમતા હોય તો કૃપા કરીને તમારા ગ્રુપોમાં પણ શેર કરશો, જેથી આવી વાતો વધુ લોકો સુધી પહોંચે.

ડૉ. શિરીષ વાડદોરિયા
સ્ટાર હોસ્પિટલ-કામરેજ, સુરત.

#ગર્ભાવસ્થા #માસિકમોડુંકરવાનીદવા #પ્રારંભિકગર્ભાવસ્થા #ગર્ભપાતજાગૃતિ #મહિલાસ્વાસ્થ્ય #શ્રદ્ધાઅનેવિજ્ઞાન #સાચુંનિદાન #ચિકિત્સાચરિત્ર #સત્યઘટના #ડૉશિરીષવાડદોરિયા

😴 “નસકોરા તો બધા જ બોલાવે છે…” પણ એ રાત્રે દરેક નસકોરા સાથે તેનો શ્વાસ થોડા પળ માટે અટકી જતો હતો... Episode 132🩺 ચિકિત્સ...
10/05/2026

😴 “નસકોરા તો બધા જ બોલાવે છે…” પણ એ રાત્રે દરેક નસકોરા સાથે તેનો શ્વાસ થોડા પળ માટે અટકી જતો હતો... Episode 132

🩺 ચિકિત્સા ચરિત્ર - સવાલ, સંકેત અને સત્ય 🔍✨
આપણા સમાજમાં નસકોરા ઘણી વાર મજાકનો વિષય બને છે.

કોઈ કહે, “ઘર ધ્રૂજી જાય છે.”
કોઈ કહે, “ટ્રેનના એન્જિન જેવો અવાજ કરે છે.”
કોઈ વિડિયો બનાવી હસે.

અને નસકોરા બોલાવનાર વ્યક્તિ પોતે પણ હસીને વાત ટાળી દે.
પણ ક્યારેક આ મજાક પાછળ એક ગંભીર સત્ય છુપાયેલું હોય છે — સ્લીપ એપ્નિયા (Sleep Apnoea).

એક 45 વર્ષના ભાઈનો કિસ્સો ખૂબ યાદગાર છે. વજન લગભગ 102 કિલો હતું. બહારથી તેઓ એકદમ સામાન્ય લાગતા. કામકાજ કરતા, લોકો સાથે મળતા, ઘરની જવાબદારી સંભાળતા. પરંતુ રાત પડતાં તેમની જિંદગી એક અજાણી લડાઈમાં બદલાઈ જતી.

ઘરે સૌને લાગતું હતું કે તેઓ માત્ર જોરથી નસકોરા બોલાવે છે.

પત્ની ઘણી વાર હળવી મજાકમાં કહેતી,“તમારા નસકોરાથી તો આખું ઘર જાગી જાય.”

બાળકો પણ ક્યારેક હસતાં.
પણ પત્નીને ધીમે ધીમે એક વાત ડરાવા માંડી.
નસકોરા વચ્ચે અચાનક શાંતિ થઈ જતી.
થોડા સેકન્ડ સુધી શ્વાસ જાણે અટકી જાય.

પછી તેઓ ઝટકાથી શ્વાસ ખેંચે.
ક્યારેક આખું શરીર ધ્રૂજી જાય.
અને ફરી નસકોરા શરૂ.

આ દૃશ્ય જોનાર માટે ખૂબ ડરાવનારું હતું. બાજુમાં સૂતી પત્ની માટે તો દરેક રાત ચિંતા બની ગઈ હતી. તે ઊંઘતી ઓછી અને એમનો શ્વાસ જોતી વધારે.

સવારમાં દર્દી કહેતા,“મને ઊંઘ થઈ જ નથી.”

સવારે માથું ભારે રહેતું. દિવસ દરમિયાન ઊંઘ આવતી. કામમાં ધ્યાન ઘટતું. મિટિંગમાં બેસે ત્યારે આંખો બંધ થવા માંડે. ક્યારેક વાત કરતાં કરતાં ઝોકો આવી જાય. ગાડી ચલાવતા પણ ઊંઘ આવવાની બીક રહે.

પરિવાર કહે, “રાત્રે તો તમે આખી રાત નસકોરા બોલાવતા હતા, પછી ઊંઘ ન થઈ એવું કેમ કહો છો?”

પણ હકીકત એ હતી કે શરીર રાત્રે ઊંઘતું નહોતું.
શરીર આખી રાત શ્વાસ માટે લડી રહ્યું હતું.

ઘણા મહિના સુધી આ ચાલ્યું. વજન વધતું ગયું. થાક વધતો ગયો. ચીડિયાપણું વધ્યું. ઘરમાં વાતચીત ઓછી થઈ. પત્ની ચિંતામાં રહેતી. દર્દી પોતાની સ્થિતિને હળવાશથી લેતા.

“બધાને નસકોરા આવે છે. આમાં શું મોટું?”

પણ એક દિવસ મિટિંગમાં તેઓ ખુલ્લી આંખે બેઠા બેઠા નસકોરા બોલાવા લાગ્યા.

લોકો હસ્યા.
કોઈએ મજાક કરી.
પણ તે દિવસે દર્દી અંદરથી તૂટી ગયા.

કારણ કે હવે વાત માત્ર ઘરની નહોતી. પોતાની સામે પોતાની જ બેકાબૂ સ્થિતિ ઉભી હતી.

અંતે તેઓ તપાસ માટે આવ્યા.
વિગતવાર હિસ્ટ્રી લેતાં જ ચિત્ર સ્પષ્ટ થવા માંડ્યું.

જોરદાર નસકોરા.
ઊંઘમાં શ્વાસ અટકતો દેખાવું.
સવારે માથું ભારે રહેવું.

દિવસ દરમિયાન ઊંઘ આવવી.
વજન 102 કિલો.

મિટિંગમાં ઝોકા આવવા.
રાત્રે ઊંઘ છતાં સવારમાં થાક.

આ બધું સ્લીપ એપ્નિયા તરફ ખૂબ સ્પષ્ટ ઈશારો કરતું હતું.
મેં સમજાવ્યું,“આ માત્ર નસકોરાની તકલીફ નથી. રાત્રે ઊંઘ દરમિયાન તમારો શ્વાસ વારંવાર અટકતો હોઈ શકે. એટલે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી અને ઊંઘ પણ તૂટતી રહે છે, ભલે તમને ખબર ન પડે.”

પછી સ્લીપ સ્ટડી કરાવવામાં આવી.
રિપોર્ટ આવ્યો.
એક કલાકમાં આશરે 44 વખત શ્વાસ અટકતો હતો.

એક કલાકમાં 44 વખત.
એટલે રાત્રે ઊંઘ દરમિયાન શરીર વારંવાર ડૂબતા માણસની જેમ શ્વાસ માટે ઝઝૂમતું હતું.

આ રિપોર્ટ જોયા પછી પત્નીની આંખમાં પાણી આવી ગયું.
તેમણે ધીમેથી કહ્યું,“સાહેબ, એટલે હું જે રાત્રે જોતી હતી એ સાચું હતું ને? મને લાગતું હતું કે ક્યારેક એમનો શ્વાસ પાછો નહીં આવે…”

આ વાક્ય ખૂબ ભારે હતું.

કારણ કે નસકોરા પર આપણે હસીએ છીએ, પણ ક્યારેક બાજુમાં સૂતો માણસ આખી રાત ડરમાં જીવે છે.

નિદાન હતું — ગંભીર ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા (Obstructive Sleep Apnoea).

આમાં ઊંઘ દરમિયાન ગળાનો રસ્તો વારંવાર સંકોચાઈ જાય છે. શ્વાસ થોડા સમય માટે અટકે છે. ઓક્સિજન ઘટે છે. મગજ શરીરને જગાડે છે. માણસ ઝટકાથી શ્વાસ ખેંચે છે. પછી ફરી ઊંઘ આવે છે. પછી ફરી એ જ ચક્ર.

આ આખી રાત ચાલતું રહે.
દર્દીને લાગે — “હું સૂતો હતો.”
પણ શરીર કહે — “ના, હું તો આખી રાત લડી રહ્યો હતો.”

સારવારમાં સીપેપ (CPAP) મશીન શરૂ કરાયું.
શરૂઆતમાં દર્દીને મશીન સાથે સૂવું અજીબ લાગ્યું. માસ્ક પહેરવો, હવાના દબાણ સાથે સૂવું, બાજુમાં મશીનનો અવાજ — બધું નવું હતું.

તેમણે કહ્યું,“સાહેબ, આ મશીન લઈને આખી જિંદગી સૂવું પડશે?”

મેં કહ્યું,“તમારે મશીનને સજા ન માનો. આ રાત્રે તમારો શ્વાસ બચાવતું સાધન છે.”

પત્નીએ પણ સાથ આપ્યો.
વજન ઘટાડવાની શરૂઆત કરાવી.

રાત્રે મોડું ભારે ખાવું ઓછું કરાવ્યું.
આલ્કોહોલ અને સેડેટિવ દવાઓથી સાવચેત રહેવાનું સમજાવ્યું.

સૂવાની પોઝિશન અને નિયમિત ઊંઘનું ધ્યાન રાખવાનું કહ્યું.
ધીમે ધીમે ફેરફાર દેખાવા લાગ્યો.

સવારમાં માથું ઓછું ભારે રહેતું.
દિવસ દરમિયાન ઊંઘ ઘટી.

ચીડિયાપણું ઓછું થયું.
કામમાં ધ્યાન વધ્યું.

અને સૌથી મહત્વની વાત — પત્ની પહેલી વાર શાંતિથી ઊંઘી.
થોડા સમય પછી ફોલોઅપમાં તેઓ આવ્યા.

ચહેરા પર આત્મવિશ્વાસ હતો.
તેમણે કહ્યું,“સાહેબ, હવે મને સમજાયું કે હું વર્ષોથી ઊંઘતો નહોતો… ફક્ત રાત પસાર કરતો હતો.”

રિપોર્ટમાં પણ મોટો ફેરફાર હતો.

જે દર્દીમાં એક કલાકમાં 44 વખત શ્વાસ અટકતો હતો, સીપેપ પછી તે આંકડો લગભગ 2 સુધી આવી ગયો.

આ માત્ર આંકડો નહોતો.
આ તેનો પાછો મળેલો શ્વાસ હતો.

તેની પાછી મળેલી સવાર હતી.
તેની પત્નીની પાછી મળેલી ઊંઘ હતી.

તેના પરિવારનો પાછો મળેલો વિશ્વાસ હતો.
ડૉક્ટર તરીકે આ કેસ મને એટલા માટે યાદગાર રહ્યો કે અહીં રોગ વર્ષો સુધી ઘરના બધાના કાન સામે હતો.

દરરોજ રાત્રે.
દરેક નસકોરામાં.

પણ કોઈએ તેને રોગ માનીને જોયો નહીં.
આપણે નસકોરાને મજાક માનીએ છીએ.

પણ જોરદાર નસકોરા, વચ્ચે શ્વાસ અટકવો, દિવસમાં ઊંઘ આવવી, સવારમાં માથું ભારે રહેવું, વજન વધારે હોવું — આ બધું હોય તો સાવધાન થવું જરૂરી છે.

સ્લીપ એપ્નિયા ફક્ત ઊંઘની તકલીફ નથી.
તે બ્લડ પ્રેશર વધારી શકે છે.

હાર્ટ ઉપર ભાર મૂકી શકે છે.
સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

ડાયાબિટીસને અસર કરી શકે છે.
દિવસ દરમિયાન ઊંઘને કારણે અકસ્માતનું જોખમ વધારી શકે છે.

અને સૌથી મહત્વનું — માણસના જીવનની તાજગી ચોરી શકે છે.
દરેક નસકોરા નિર્દોષ નથી.

ક્યારેક નસકોરા શરીરનો એલાર્મ હોય છે.
ક્યારેક બાજુમાં સૂતા વ્યક્તિનો ડર સાચો હોય છે.

અને ક્યારેક એક સ્લીપ સ્ટડી આખી જિંદગીની દિશા બદલી નાખે છે.

નસકોરા માત્ર અવાજ નહોતો… રાત્રે વારંવાર અટકતા શ્વાસની ચેતવણી હતી. 😴🫁🩺

જો તમને આવી જ દુર્લભ, રસપ્રદ અને જીવનને અરીસો દેખાડે એવી સત્ય ઘટનાઓ વાંચવી ગમે, તો જરૂર જણાવશો. તમારો પ્રતિસાદ મળશે તો હું આવી જ નવી અને સ્પર્શી જતી સત્ય ઘટનાઓ તમારી સામે રજૂ કરતો રહીશ.

આપનો આ પ્રેમ અને આશીર્વાદ મારા માટે બહુ કિંમતી છે. મારા પેજ અને પોસ્ટ્સ ગમતા હોય તો કૃપા કરીને તમારા ગ્રુપોમાં પણ શેર કરશો, જેથી આવી વાતો વધુ લોકો સુધી પહોંચે.

ડૉ. શિરીષ વાડદોરિયા
સ્ટાર હોસ્પિટલ-કામરેજ, સુરત.

#સ્લીપએપ્નિયા #નસકોરા #સીપેપ #ઊંઘનીતકલીફ #શ્વાસઅટકવો #વજનઘટાડો #સાચુંનિદાન #ચિકિત્સાચરિત્ર #સત્યઘટના #ડૉશિરીષવાડદોરિયા

Address

Golden Plaza, Opp Hanuman Mandir , Kamrej Char Rasta
Surat
394185

Telephone

+919104027070

Website

Alerts

Be the first to know and let us send you an email when ડૉ શિરીષ વાડદોરિયા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ડૉ શિરીષ વાડદોરિયા:

Shortcuts

Share

Category