07/11/2026
દોસ્તો, જગતનાં આ ત્રણ મોટા સુખ છે. આપણી પાસે આવા સુખ હોય એટલે આપણે સૌ આરોગ્યનાં અંબાણી તો બની જ શકીએ છીએ. શરીરમાં મેલાટોનિન સારી રીતે બને એટલે જોરદાર ઊંઘ આવે. જોરદાર ઊંઘ આવે એટલે સવારે ઊઠીને દોડવાનું મન થાય એવો મૂડ હોય. અંધારું થાય એટલે રાત્રે 9 પછી શરીર સારી રીતે મેલાટોનિન બનાવી શકે છે. પરંતુ, પૂરું અંધારું જોઈએ. ઉજાગરા, રાત્રે પ્રકાશ, મોડા સુધી ફોન કે ટી.વી. વાપરવાની ટેવ હોય તો ઘસઘસાટ ઊંઘ લાવવી અઘરી બની જાય.
સારી ઊંઘ પછી પેટ પણ સારું ખાલી થાય. સવારે, પેટમાં પાચનની ગરમી હોય તો પેટ સડસડાટ સાફ થાય છે મતલબ, મળ સારી રીતે નીકળે છે. આપણે જ્યારે વાસી ખોરાક ખાઈએ, ન-કામની ઢગલો વસ્તુઓ ઘરમાં ભરી જ રાખીએ, સમૃદ્ધિ હોવા છતાં રીક્ષા કે પસ્તીવાળા ભાઈ સાથે પાંચ-દસ રૂપિયા માટે માથાકૂટ કરીએ ત્યારે કબજિયાત થઈ શકે. કઈ રીતે? ગટ નામનો જે કરંટ મળ બહાર કાઢવા માટે વપરાતો હતો એનો ઉપયોગ વસ્તુઓ સંઘરી રાખવામાં, મનની અંદર જૂની વાતો સંઘરી રાખવામાં વપરાઈ જાય છે.
ઘરની બહારનો સૂર્ય ઊગે એ અગાઉ જાગી જવાય તો શરીરની અંદર પણ આરોગ્યનો સૂર્ય ઉગશે. સૂર્ય એટલે ગરમી, ગતિ, આરોગ્ય, ઉત્સાહ. સૂર્યની ગરમી અને એનાં પ્રકાશ કે "અજવાળા"થી શરીરમાં કોર્ટીસોલ અને સેરેટોનિન મસ્ત રીતે કામ કરે છે. કોર્ટિસોલ અજવાળામાં કામ કરે છે અને મેલાટોનિન અંધારામાં કામ કરે છે. કોર્ટીસોલ દિવસે આપણને 12 થી 14 કલાક તરોતાજા, દોડતા રાખવામાં મદદ કરે છે. સેરેટોનિન આપણને મૂડમાં રાખે છે કેમ કે એનું કામ જ મૂડ બનાવી રાખવાનું છે.
હવે વિચારો કે સૂર્યનો તડકો અને સૂર્યનું કુદરતી અજવાળું કે પ્રકાશ, આ બેની મદદથી આપણા જીવનમાં કેટલો મોટો ફરક પડી શકે છે. આપણે સૌ અત્યારે "તણાવ યુગ"માં જીવીએ છીએ. એટલે, જ્યારે સમય મળે ત્યારે જો માથું ઢાંકી અને પીઠમાં એક કલાક શિયાળાનો તડકો લેવાય તો એનાથી તાત્કાલિક ફાયદો થાય છે. કોટનનાં કપડા હોય તો તડકો સારી રીતે એમાંથી પસાર થશે.
દોસ્તો, "આવતી દિવાળી સુધીમાં આપણામાંથી કેટલાક આ દુનિયામાં નહીં હોય" આટલું યાદ રાખશો તો ખડખડાટ હસવાનું આજથી શરૂ થઈ જશે. ઓશો કહે છે એમ આપણે સૌ એક બસમાં બેઠેલા પેસેન્જર છીએ અને કોને કયા સ્ટેશન ઉપર ઉતરવાનું છે એની કોઈને ખબર નથી. તો, આટલી ટૂંકી જિંદગીમાં બને એટલી વાતને હસવામાં કાઢી નાખીએ, તકલીફ થાય એવી વાત હોય તો એને ત્યાં અટકાવી દઈએ કે માફી માગીને વાત પૂરી કરીએ.
ખડખડાટ હસવું એ કબજિયાતની સારામાં સારી દવા છે. ઘસઘસાટ ઊંઘી જવું એ યુવાન રહેવા માટેની મોટામાં મોટી ચાવી છે. કારણકે, મેલાટોનિન જો સારી રીતે નીકળે તો માણસ લાંબો સમય યુવાન રહે છે. તડકાનો નિયમિત ઉપયોગ કરાય તો શરીરનું હાડપિંજર, હાડકાં અને મન સારા રહે છે. આપ સૌને દિવાળીની શુભકામના, વાંચવા બદલ આભાર. મુકેશ પટેલ, નિહાર આરોગ્ય મંદિર, એપોઇન્ટમેન્ટ માટે: 7874744676, 9913230263, અમદાવાદ.